હળવદના કેદારીયા ગામ નજીક પસાર થતા રેલવે પાટા ઉપર સર્જાયેલી એક દુર્ઘટનામાં એક મહિલા અને તેના ત્રણ બાળકો રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન ટ્રેન નીચે આવી જતા બે બાળકોના કરુણ મોત નિપજ્યા હતા જ્યારે મહિલાને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, અન્ય એક દોઢ વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો.
બનાવની પ્રાપ્ત થતી વિગત મુજબ, હળવદ તાલુકાના રણજીતગઢ ગામે બજાણીયા (ઠાકોર) પરિવાર ગામના 109 નંબરના નાલા પાસે આવેલ રેલવે પાટા ક્રોસ કરી આવેલી ખેતીવાડી ની જમીનમાં ચોથા ભાગે જમીન વાવેતર રાખી ખેત મજૂરી કામ કરી રહ્યા હતા. ત્યારે સોમવારે બપોરના અંદાજિત સાડાબાર વાગે આ પરિવારની મહિલા મંગુબેન દશરથભાઈ બજાણીયા તેના ત્રણ બાળકો સાથે ખેતરે જમવાનું ટિફ્નિ લઈ જઈ રહી હતી અને રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન કચ્છ તરફ્થી પુરઝડપે આવી રહેલી માલગાડીની અડફેટે થયેલા અકસ્માતમાં ગોપીબેન દશરથભાઈ બજાણીયા (ઉ.વ.5) અને નિકુલ દશરથભાઈ બજાણીયા (ઉ.વ. 3.5)ના મોત નિપજ્યા છે જ્યારે તેમના માતા મંગુબેન દશરથભાઈ બજાણીયાને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઘટના ની જાણ રેલવે પોલીસ અને હળવદ પોલીસ ને થતા જેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દોઢ વર્ષના બાળક નો બચાવ…
રામ રાખે એને કોણ ચાખે એ ઉક્તિ ને સાર્થક કરતો કિસ્સો આ ઘટના માં જોવા મળ્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત મહિલા મંગુબેનની કોખમાં રહેલો એક દોઢ વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.