હળવદ નગરપાલિકા દ્વારા સામતસર તળાવના કાંઠે બે દાયકાથી કાચા ઝૂંપડા બાંધીને રહેતા અને શહેરમાં છુટક મજૂરી કરીને રોજીરોટી મેળવી રહેલા 90 પરિવારોના કાચા મકાનોનો શુક્રવારે પાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકીને બુલડોઝરથી સફયો બોલાવી દેવાયો હતો.
આ રીતે તળાવ પાસેની મલાઈદાર જમીન રાજકીય આકાઓ માટે ચોખ્ખી કર્યાના 24 કલાક બાદ પણ પાલિકા દ્વારા ઘર વિહોણાં બનેલા ગરીબ પરિવારો માટે રહેવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાતા શ્રામિક પરિવારો રસ્તે હાલ રઝળતી હાલતમાં મુકાતા શહેરીજનોમાં પણ રોષની લાગણી ઉઠવા પામી હતી. એટલું જ નહીં શ્રામિક પરિવારોના સરકારી પ્રા. શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે હવે જાયે તો કહાં જાયેની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત પાલિકાએ વર્ષો પહેલારાજીયેરની દેરીઓ પાસે બનાવેલા ત્રણ માળીયા મકાનો પૈકી મોટાભાગના મકાનો ખંડેર હાલતમાં પડયા છે. ત્યારે પાલિકાએ આ મકાનોમાં રહેવા માટે શ્રામિકોને રૂ.35,000 ભરવાની વાત કરી છે. પરંતુ શ્રામિક પરિવારોએ રાતોરાત આટલી મોટી રકમની વ્યવસ્થા થઈ શકે તેમ નહીં હોવાનું જણાવ્યું હતું. પાલિકાના વાંકે ખંડેર હાલતમાં ફેરવાયેલી ત્રણ માળીયા વસાહતમાં છેલ્લાં ઘણાં સમયથી અસામાજિક તત્વો અડિંગા જમાવતા હોય ખાસ કરીને મહિલાઓ માટે સુરક્ષિત જગ્યા નહીં હોવાની વિગતો પણ સામે આવી છે.