છોટાકાશી ગણાતી હળવદ પંથકના ખેડૂતોની આગવી કોઠાસૂઝથી કરાતી દાડમરૂપી બાગાયતી પાકની ખેતી અને તેના મબલખ ઉત્પાદન થકી આજે વિવિધ પડોશી દેશોમાં હળવદ તાલુકાના દાડમ પ્રખ્યાત બની ચૂક્યા છે. પંથકમાં રૂ. 3,800 હેક્ટરમાં દાડમની ખેતી કરી કરતા ખેડૂતો આજે વર્ષે અંદાજિત પાંચ હજાર ટન દાડમની આવક સાથે ઉત્પાદન ક્ષેત્રે સૌરાષ્ટ્રમાં પ્રથમ અને ગુજરાતમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે.
સમૃદ્ધ ગણાતા હળવદ તાલુકામાં કપાસ અને જીરુંના મુખ્ય પાકોનું વાવેતર થાય છે અને હજારો મણની આવક મેળવી રહ્યા છે. ત્યારે પાછલા પાંચ વર્ષથી બાગાયતી કૃષિમાં દાડમના પાકનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. વધુમાં મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના અંદાજિત 2500 ખેડૂતો દાડમની ખેતી કરે છે. જેમાંથી 2000 ખેડૂતો તો ફ્ક્ત હળવદ તાલુકાના છે. બાગાયતી પાકો માટે સરકાર ખેડૂતોને રોપાના વાવેતર સહિતની વિવિધ સહાય આપે છે. જે થકી આ વિસ્તારના ઘણા ખેડૂતોની આવક ડબલ થઈ છે. હળવદ તાલુકામાં મુખ્યત્વે રણમલપુર, ઇસનપુર, ઈશ્વરનગર, ધણાદ, ચરાડવા, જુના દેવળીયા નવા દેવળીયા સહિતના ગામોની સીમમાં દાડમ પાકનું મોટાપાયે વાવેતર છે. વેચાણ વ્યવસ્થા માટે મોટા શહેરોના વેપારીઓ ખેડૂતના ખેતરે આવે છે અને ત્યાં જ દાડમનું શોર્ટિગ અને ગ્રેડીંગ કરી, વર્ગ મુજબ તેનું વિભાજન અને પેકિંગ કરી નિકાસ કરવામાં આવે છે.
દાડમની દુબઈ, મલેશિયા, નેપાળ સહિતના અન્ય દેશોમાં નિકાસ
હળવદના પાંચ ફ્રુટ માર્કેટ મળી કુલ અંદાજિત 100 કરોડ જેટલું વાર્ષિક ટર્ન ઓવર અપેક્ષિત છે. હળવદ વિસ્તારના દાડમ ગુણવત્તા મુજબ દુબઈ, મલેશિયા, બાંગ્લાદેશ, નેપાળ સહિત અન્ય દેશોમાં તથા ગુજરાત રાજ્યની બહાર લખનઉ, કાનપુર, દિલ્હી, બેંગ્લોર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, શિલીગુડ્ડી, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે.
હળવદ શહેરમાં પાંચ ખાનગી ફ્રૂટ માર્કેટ ધમધમે છે
ફ્રુટ માર્કેટ યાર્ડના સંચાલક કાનાભાઈ પટેલના જણાવ્યા મુજબ હળવદ શહેરમાં કુલ પાંચ ફ્રૂટ માર્કેટ આવેલા છે. તેમના ફ્રુટ માર્કેટમાં વાર્ષિક અંદાજિત ચાર હજારથી પાંચ હજાર ટન દાડમની આવક થાય છે અને જેનું વાર્ષિક ટર્ન ઓવર રૂ. 20થી 25 કરોડ જેટલું છે. જેથી હળવદના પાંચ ફ્રુટ માર્કેટ મળી કુલ અંદાજિત સો કરોડ જેટલું વાર્ષિક ટર્ન ઓવર અપેક્ષિત છે.
MBAના અભ્યાસને આવજો કરીને દાડમની ખેતીમાં જોડાયા
હળવદ તાલુકાના ઈશ્વરનગરના યુવાન ખેડૂત ભરતભાઈ માકાસણા એમબીએનો અભ્યાસ છોડી દાડમની ખેતીમાં જોડાયા બાદ જણાવ્યું હતું કે 12 વર્ષ પહેલા દાડમની ખેતીની શરૂઆત કરી હતી. અત્યારે કુલ 65 વીઘામાં દાડમ વાવેલા છે. જેમાં વાર્ષિક 100થી 150 ટન જેટલું દાડમનું ઉત્પાદન મળી રહે છે અને અંદાજિત રૂ. 60 લાખથી વધુ આવક મળે છે.