હળવદ શહેરના મુખ્ય માર્ગોને ધુળ સહિતના કચરાથી મુક્ત કરવા માટે પાલિકા દ્વારા 100 દિવસનું રાત્રિ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. જેમાં પાલિકાના 50 સફાઇ કામદારો, બે જેસીબી, પાંચ ટ્રેક્ટર-ટ્રોલી, બે સ્વીપર મશીનને મેદાનમાં ઉતાર્યા છે.
પાલિકાના પ્રમુખ ફેરમબેન રાવલ, ઉપપ્રમુખ સતિષભાઈ પટેલ અને કારોબારી ચેરમેન મહેશભાઈ કણઝરીયાના સંયુક્ત આયોજન થકી 100 દિવસ સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત હળવદ શહેરના વિવિધ વિસ્તારમાં મુખ્ય બજારો, મુખ્ય ચાર રસ્તા અને જાહેર સ્થળો પર પાલિકાની સેનિટેશન શાખા દ્વારા રાત્રી સફાઇ હાથ ધરાઈ છે. તેની સાથે સાથે બીજી તરફ્ વિવિધ વોર્ડમાં ઉભરાતી ગટરો તેમજ ગંદકીઓ દૂર કરવાની દિશામાં પણ કામગીરી હાથ ધરાઈ છે. જેથી શહેરમાં મચ્છરજન્ય રોગો ને ફેલાવતા અટકાવી શકાય.