હળવદ તાલુકાના માથક ગામે શનિવાર રાત્રિ દરમિયાન તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને જુદા જુદા ત્રણ રહેણાંક મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં એક બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના લઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
જ્યારે અન્ય બે રહેણાંક મકાનમાંથી કાંઈ ન ગયું હોવાનું મકાન માલિકો જણાવી રહ્યા છે. હળવદ તાલુકા ગ્રામ્યમાં તસ્કરોઓની રંજાડ વધતા પોલીસ પેટ્રોલિંગ માત્ર કાગળ પર થતું હોવાનો આક્રોશ પણ ગ્રામ્ય પ્રજામાં ઉઠવા પામ્યો છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના માથક ગામના જયંતીભાઈ ખોડાભાઈ જેતપરા પોતાના પરિવાર સાથે વાડીએ હોય અને ગામમાં આવેલ ઘર બંધ હોય શનિવારે રાત્રિના કોઈ અજાણ્યા શખ્સો પ્રવેશ્યા હતા અને ઘરમાંથી બે સોનાના ચેઈન, બુટ્ટી તેમજ ચાંદીની ઝાંઝરી અને સાંકડાની ચોરી કરી લઇ ગયા હોવાનું મકાન માલિક જણાવી રહ્યા છે. જ્યારે ગામમાં આવેલ અન્ય બે મકાનોને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જેમાં દિગુભા ઝાલા અને વિનુભાઈ સોમૈયાના મકાનમાં પણ તસ્કરો ત્રાટક્યા હતા. જોકે ત્યાંથી કાંઈ ન લઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. બીજી તરફ્ બનાવના પગલે હળવદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તસ્કરોનું પગેરું દબાવવા તપાસ હાથ ધરી છે.