રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મોરબી જિલ્લામાં નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ આગામી 16 ફેબ્રુઆરી એ જાહેર કરવામાં આવી છે સાથે સાથે 27 ટકા ઓબીસી અનામત મુજબ હળવદ નગર પાલિકાના 7 વોર્ડની કુલ 28 બેઠકોની અનામતની ફળવણી જાહેર કરવામાં આવતા હળવદ શહેરમાં સ્થાનિક રાજકીય પક્ષોમાં મીટીંગોના દોર શરૂ થઈ ગયા છે.
ચૂંટણીઓની તૈયારી નો ધમધમાટ પણ શરૂ કરી દીધો છે.હળવદ નગર પાલિકાની આગામી દિવસો માં યોજાનારી ચૂંટણીમાં કુલ સાત વોર્ડમાંથી 28 સભ્યો માટે મતદારો મતદાન કરી જે તે વોર્ડના નગરસેવકોને ચૂંટશે. ફેબ્રુઆરી 2023થી હળવદ પાલિકામાં વહીવટદારનું શાસન આવતા પ્રજા માળખાકીય સુવિધાથી વંચિત હોવાને કારણે શહેરીજનોમાં આજે પણ રોષ ફેલાયેલો છે. એમાંય ખાસ વોર્ડ 1 નં. 1 અને 7માં ગંદકીને કારણે લોકો પારાવાર મુસીબતો વેઠી રહ્યા છે.
આ ઉપરાંત નગરના મોટાભાગના વોર્ડમાં પાલિકાના વાંકે બિસ્માર રસ્તા તેમજ ગંદકી સહિતની સમસ્યા છે. ઉપરાંત ઐતિહાસિક સામતસર તળાવમાં પણ નર્કાગારની સ્થિતિથી લોકો તોબા પોકારી ઉઠયા છે ત્યારે આ તમામ મહત્વના મુદ્દા આગામી પાલિકાની ચૂંટણીમાં નિર્ણાયક બની રહેવાની સંભાવના છે.
શું કહે છે રાજકીય અગ્રણીઓ…
હળવદ શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પાલિકા ની 28 બેઠકો ઉપર યુવા અને શિક્ષિત ઉમેદવારો ને ચૂંટણી લડાવશે. જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ દવે જણાવ્યું હતું કે પાલિકાની ચૂંટણીમાં 28 બેઠકો ઉપર શિક્ષિત અને નીડર ઉમેદવારોને ચૂંટણીમાં ઉતારવામાં આવશે.