છોટાકાશી હળવદ એક સમયે ઝાલાવાડનું પાટનગર ગણાતું. ત્યારબાદ છેલ્લાં એક દાયકાથી મોરબી જિલ્લામાં તેનો સમાવેશ થતા શહેરીજનોને સારા અને વધુ વિકાસની આશા હતી. નગરપાલિકા એટલે હળવદ શહેર માટે નાગરિક સુવિધાનું પાવર સેન્ટર. હળવદ નગરપાલિકામાં ચૂંટાઈને અનેક લોકો પાવરફુલ બની ગયા.
પરંતુ શહેરનો નાગરિક તો બિચારો જ રહી ગયો છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારમાંથી આવી અને વપરાઈ પણ ગઈ તેમ છતાં શહેરના વિકાસ કરતા સમસ્યાઓ ડબલ થઈ જવા પામી છે. જે સૌને રોજબરોજ ઘરની બહાર નીકળતા જ નરી આંખે દેખાય છે. પરંતુ પાલિકાના નગરસેવકો સહિત ધારાસભ્ય તેમજ સાંસદ સુધીની નેતાગીરીમાં શહેરની કાયાપલટ કરવા માટેનું વિઝનના બદલે ભ્રષ્ટાચારનો મોતિયો હોય તેવું મોટાભાગના શહેરીજનો કહી રહ્યા છે.
હળવદમાં નાગરિક સુવિધાના મામલે ઘણી અધૂરપ છે. રણમાં વીરડીની જેમ સમયાંતરે કોઈ સારા અધિકારી- પદાપિકારીએ શહેર માટે જીવ જરૂર બાળ્યો છે. પરંતુ હળવદ શહેરને રાજ્યના નકશામાં સ્વચ્છતાના માપદંડમાં કે ભષ્ટાચાર મુક્ત બનાવવામાં કે પર્યાવરણના મામલે કોઈ નોંધપાત્ર કામગીરી થઈ નથી. મોટાભાગે તમામ વોર્ડમાં ગંદકી, ઉકરડા, વીજળી તેમજ રોડની સમસ્યાઓ ઘટવાને બદલે દિનપ્રતિદિન વધી રહી છે. હળવદ શહેરના કુલ 7 વોર્ડ છે. તમામ વોર્ડ માં ગંદકી, કચરાના ઉકરડા, ભૂગર્ભ ગટરના રહેણાંક શેરીઓ તેમજ બજાર વિસ્તારમાં માર્ગો પર વહેતા ગંદા પાણીની સમસ્યા રોજિંદી હોવા છતાં પણ સ્થાનિક નેતાઓને આની કોઈ દરકાર નથી. શહેરમાં વર્ષો જૂનો બાળકો માટેનો બાગ પણ છેલ્લાં ઘણાં વર્ષોથી ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે. શહેરના વિકાસકાર્યો માટે દર વર્ષે લાખોની ગ્રાન્ટ આવે છે. તેમ છતાં આ બાગમાં હરવાફરવા આવતા શહેરીજનોને બેસવા માટે એક બાંકડો પણ ઉપલબ્ધ નથી. તો બાળકોના રમવા કુદવા માટેના સાધનોનું તો નામોનિશાન રહ્યું નથી. બાગમાં દરવાજા પણ ન હોય રખડતા ઢોર વિચરતા હોય વન-વગડામાં તબદિલ થઈ ચૂક્યો છે. હળવદ શહેરથી લઈ ગાંધીનગર સુધી ભાજપની શાસનધુરા હોવા છતાંય શહેરમાં પ્રાથમિક સુવિધાઓના નામે શુન્યાવકાશ રહ્યો હોય શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.