હળવદ તાલુકાના કીડી ગામમા કચ્છ જેવા ભેદી રોગચાળાએ ભરડો લીધો હોય તેમ છેલ્લા 15 દિવસમાં ત્રણ બાળકોના મોત થયા છે. જ્યારે અન્ય 15 જેટલા બાળકો હાલ સારવારમાં હોવાની તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા માહિતી મળી રહી છે. હળવદના કીડી ગામની વસ્તી 1700ની છે. જેથી નાના એવા ગામમાં પંદર દિવસમાં ત્રણ બાળકોના મૃત્યુ થતાં ગામમાં પણ ફફડાટ ફેલાયો છે.
છેલ્લા 15 દિવસમાં ત્રણ બાળકોના બીમારીના કારણે મૃત્યુ થયા
ગત તારીખ 28/8ના રોજ આશિષ ઉંમર વર્ષ 11 નું મૃત્યુ થયું હતું. જ્યારે 10-9-2024ના રોજ જેન્સી ઉંમર વર્ષ 2 અને 12/9/ 2024 ના રોજ ભાવેશ ઉંમર વર્ષ 10નું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળાએ માથું ઉચક્યું હોય તેમ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. ત્યારે હળવદ તાલુકાના કીડી ગામે ભેદી રોગચાળાએ અજગર ભરડો લીધો હોય તેમ છેલ્લા 15 દિવસમાં ત્રણ બાળકોના બીમારીના કારણે મૃત્યુ થયા છે.
હાલ ગામમાં 15 જેટલા બાળકો બીમાર હોય અને ઘરે જ સારવાર લઈ રહ્યા છે
હળવદ આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બે બાળકોનું અન્ય બીમારી તેમજ એક બાળકનું તાવના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવી રહ્યા છે. જ્યારે હાલ ગામમાં 15 જેટલા બાળકો બીમાર હોય અને ઘરે જ સારવાર લઈ રહ્યા છે. કીડી ગામે પિવાનુ પાણી આપવામાં આવે છે તેને લઈ બિમારી ફેલાઈ હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો હતો. તો સાથે વારંવાર રેલવે ફાટક બંધ રહેતા વાહનચાલકોને ટ્રાફિકથી પીડાવુ પડે છે અને જ્યારે કટોકટીના સમયે સારવાર જરુરીયાત હોય ત્યારે રેલવે ફાટક બંધ રહેતા બાળકનું મોત થયાનું મૃતક ભાવેશના કાકાએ જણાવ્યું હતું. ત્યારે આ બાળકોના મોત જવાબદાર કોણ? તેવા સવાલો ઉભા થયા છે.