કચ્છના નાના રણ સહિત પંથકમાં મીઠુ પક્વવાની સીઝન આગામી દિવસોમાં શરુ થઈ રહી છે. જેની તૈયારીના ભાગરૂપે રણમાં પાણી માટે કુવાનું ખોદકામ કરી રહેલા ત્રણ અગરિયાને એકાએક જમીનમાંથી ગેસ ગળતર થતા ત્રણ પૈકી એકનું મોત નિપજ્યું હતું. જયારે અન્ય બેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા છે.
હળવદના ટીકર ગામના અગરિયા પરિવારો અત્યારે મીઠાની સિઝન હોવાથી રણમાં ગયા હતા. ત્યાં કૂવો ગાળતી વેળાએ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગેસ ગળતર થતા ટીનાભાઈ અમરશીભાઈ રાણેવાડિયા(ઉ.વ.30, રહે. સુંદરગઢ)નું મૃત્યુ થયું છે. જ્યારે અન્ય બે વ્યક્તિ સાગર અમરશી રાણેવાડિયા અને ભરતભાઈ ચતુરભાઈ રાણેવાડિયા (બંને ઉ.વ.25)ની હાલત ગંભીર જોવા મળી હતી. બન્ને ઇજાગ્રસ્તોને હળવદ સરકારી હોસ્પિટલમાં સારવાર બાદ મોરબી ખાતેની હોસ્પિટલમાં ખસેડાયા છે. સદર ઘટનાની જાણ અન્ય અગરિયા પરિવારોને થતા તુરત જ લોકોના ટોળા હળવદ સરકારી દવાખાને એકઠા થયા હતા.
બે વર્ષ પહેલાં પણ આવી દુર્ઘટના સર્જાઈ હતી
હળવદ પાસે ટીકર રણ ખાતે આજથી બે વર્ષ પહેલા આજ વિસ્તારમાં આવી જ એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પણ ગેસ ગળતર થતા ત્રણ લોકોના જીવ ગયા હતા.