હળવદ તાલુકાના ઢવાણા ગામે શનિવારે મોદી રાત્રિના વાડીએ સુતેલા મજુરની ઓરડી પર જોરદાર કડાકા સાથે આકાશી વીજળી પડતા ઓરડીમાં સુઈ રહેલી એક 18 વર્ષની યુવતીનું હૃદય બેસી જતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે મહિલાઓ હેબતાઈ જતા સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી.
બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ધાંગધ્રા તાલુકાના કૈલાશનગર ગામે રહેતા ધીરુભાઈ વેલાભાઇ રાજપુતની વાડી હળવદ તાલુકાના ઢવાણા ગામની સીમ વિસ્તારમાં આવેલી છે તેઓની વાડીએ એમપીથી મજૂરીકામ કરવા માટે આવેલ આરતીબેન સુલતાનભાઈ બારીયા ઉમર વર્ષ 18 તે તેનો ભાઈ અને બે બહેનો ગત રાત્રિના સુમારે વાડીની ઓરડીમાં સુતા હતા ત્યારે મોડી રાતના 12:30 વાગ્યાની આસપાસના સુમારે જોરદાર કડાકા સાથે ઓરડી પર આકાશી વીજળી પડતા આરતીબેનનું હૃદય બેસી જતા મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે મહિલાઓ પણ હેબતાઈ જતા તેઓને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. બીજી તરફ્ પંથકના રણમલપુર ગામે ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા ચારસો વીઘાથી વધુ ઉભા પાકનો સફયો થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આ ઉપરાંત ઘણાદ નજીક ખારી નદીના બેઠા પુલમાં ભારે વરસાદી વહેણના કારણે ગાબડા પડી ગયા છે. અન્ય વીજળી પડવાના બનાવમાં તાલુકાના દીઘડિયા ગામમાં એક મંદિર ઉપર વીજળી પડયા હોવાનું સામે આવ્યું છે. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.