હળવદ શહેરમાં હાલમાં ચાલી રહેલા ગણપતિ મહોત્સવ જેવા ધાર્મિક પ્રસંગ દરમિયાન શહેરના વોર્ડ નં. 1માં જાહેર માર્ગો ઉપર વહી રહેલા ઉભરાતી ગટરના ગંદા અને તીવ્ર દુર્ગંધ વાળા પાણીને કારણે સ્થાનિકો રોજબરોજ ભારે હાલાકી વેઠી રહ્યા છે.
સતત પંદર દિવસથી આ સમસ્યા જૈસે થેની સ્થિતિમાં હોવાથી ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. આ બાબતે રજૂઆત કરવા છતાં પણ પાલિકા દ્વારા સમસ્યાનું કોઈ જ નિરાકરણ નહીં આવતા વિસ્તારના લોકોએ આખરે પાલિકા સામે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ હળવદ નગરપાલિકા વિસ્તાર હેઠળ આવતા વોર્ડ નં. 1ના શહેરીજનો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે છેલ્લાં એક પખવાડિયાથી વિસ્તારમાં ગંદકી અને ઉભરાતા ગટરના પાણીએ માઝા મુકી છે. વિસ્તારમાં ગણપતિના પંડાલ નજીક પણ ચોતરફ દુર્ગંધ ફેલાવતા ગટરના પાણીને કારણે દર્શનાર્થીઓમાં પણ ભારે રોષની લાગણી ઉઠવા પામી છે. હળવદ નગરપાલિકાનું સંચાલન હાલ વહીવટદાર કરી રહ્યા છે. પરંતુ તેઓ શહેરની એક પણ સમસ્યાનું સમાધાન ન કરતા શહેરીજનોની હાલાકીમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત શહેરના રહેણાંક વિસ્તારોમાં માર્ગો પર સતત વહેતા ગંદા પાણીને કારણે રોગચાળો વકરવાની પુરી શક્યતાઓ સેવાઈ રહી હોવાને કારણે વિસ્તારના લોકોએ પાલિકામાં અવારનવાર મૌખિક રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવતા નાછૂટકે આ વિસ્તારના રહીશોએ પાલિકા સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.