હળવદ તાલુકાના માનસર ગામે છોટાઉદેપુર જિલ્લામાંથી ખેત મજૂરી કામ કરવા આવેલ પિતરાઈ ભાઈ-બહેન વચ્ચે પ્રેમ પ્રાંગરતા અને સમાજના લોકો એક નહીં થવા દેતા બંનેએ ગામની સીમમાં આવેલ એક વીજ પોલ પરથી ગળે ફંસો ખાધેલી હાલતમાં બંનેની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા લોકોના ટોળા સ્થળ પર એકઠા થઈ ગયા હતા.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના અને હાલ હળવદ તાલુકાના માનસર ગામે આવેલ હસમુખભાઈ ગોહિલની વાડીએ મજૂરી કામ કરવા આવેલા આરતીબેન નવલસિંહ તડવી(ઉં. વ.20) અને સંજયભાઈ કનુભાઈ તડવી(ઉં.વ.23) પરિવાર સાથે રહી ખેત મજૂરીનું કામ કરતા હતા. હાલમાં નવરાત્રીના દિવસો ટાણે જ બંને એકાદ દિવસથી ગુમ થયા હોવાની જાણ થતાં પરિવારજનો દ્વારા તેઓની શોધખોળ કરવામાં આવી રહી હતી. તેવામાં ગુરુવારે સવારે માનસર ગામની સીમમાં જ આવેલ સુરેશભાઈની વાડી પાસેના વોંકળાના કાંઠે આવેલ એક વીજ પોલ પરથી આરતીબેન અને સંજયભાઈનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતો. જેથી બનાવની જાણ પરિવારજનોને કરાતા પરિવારજનો ઘટનાસ્થળે દોડી જઈ પોલીસને જાણ કરી હતી. એથી પોલીસ બનાવ સ્થળે પહોંચી બંને મૃતકના મૃતદેહને પીએમ માટે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.