હળવદના રણકાંઠા વિસ્તારમાં કોઈ ભેદી રોગચાળાએ દેખા દેતા પખવાડિયામાં એક બાળકી અને બે બાળક સહિત ત્રણ બાળકોના મોત થયા છે. અન્ય ચૌદ બાળકો સારવાર હેઠળ હતા જેઓ હાલ ભય મુક્ત હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. જયારે મંગળવારે હાથ ધરાયેલા સર્વેમાં ચાર બાળકો તાવની બીમારીમાં સપડાયા હોવાનું બહાર આવ્યું છે.
કીડી ગામે ભેદી રોગચાળાએ દેખા દેતા જેની અસર બાળકો ઉપર પડી હતી. જેમાં બાળકોમાં તાવની વધુ અસર જોવા મળી હતી અને જેને કારણે છેલ્લા 15 દિવસમાં ત્રણ બાળકોના તાવની બીમારીના કારણે મૃત્યુ થતા અને 14 બાળકો સારવાર હેઠળ હોવાનું ખુલવા પામતા આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાયું હતું. ત્યારે હવે આરોગ્ય વિભાગ જાગતા ગામમાં જુદી જુદી ટીમ દ્વારા સર્વે હાથ ધરી આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરી હતી. સાથે દવાના છંટકાવ શરૂ કરાયા બાદ સારવાર હેઠળના 14 બાળકો હાલ ભય મુક્ત હોવાનું જણાવ્યું હતું. કીડી ગામે સતત આરોગ્યની ટીમ દ્વારા હાથ ધરાયેલા સર્વે અને આરોગ્યલક્ષી સારવાર બાદ મંગળવારે અન્ય 4 બાળકો તાવમાં સપડાયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે તાવ અંગે રિપોર્ટ કરાયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.