- હાલોલ તાલુકામાં અકસ્માતના બે બનાવમાં બેનાં મોત
- હાઇવે પર પટકાયેલી 12 વર્ષની કિશોરી પર ટ્રકના પૈડાં ફરી વળ્યાં
- હાઇવા ટ્રક ના તોતિંગ પૈડાં ફરી વળતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યુ હતુ
હાલોલ- વડોદરા રોડ ઉપર આનંદપુરા નજીક એક કારે બાઇકને પાછળથી ટક્કર મારી હતી. જેમાં બાઈક ચાલક અને તેની પાછળ બેઠેલી તેની પિતરાઈ બહેન રોડ પર પટકાયા હતા. આ સમયે બાજુમાંથી પસાર થતી ટ્રકના મહાકાય પૈડાં તેની ઉપર ફરી વળતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે બાઈક ચાલક ને તાત્કાલીક 108 એમ્બ્યુલન્સમાં હાલોલ સરકારી દવાખાને પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહીતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના લીમખેડાના જેરજીતગઢ ગામના રહેવાસી સમીરભાઈ રાકેશભાઈ ડામોર છેલ્લા ઘણા સમય થી વડોદરાની એક બાંધકામ સાઈટ ઉપર ટ્રેક્ટર ચલાવે છે. આ જ બાંધકામ સાઈટ ઉપર તેના કાકા વિજયભાઈ ડામોર પણ જેસીબી ચલાવે છે. સમીર બાઈક લીમખેડા તેમના વતનમાં ગયો હતો અને આજે સવારે વડોદરા ખાતે પરત જઇ રહ્યો હતો. જેથી તેના કાકા વિજયભાઈની 12 વર્ષની દીકરી આરોહીને હાલમાં વેકેશન ચાલતું હોવાથી તેને તેના પિતા સાથે વડોદરા રહેવા માટે આવવું હતું. જેથી બાઈક ઉપર પિતરાઈ બહેનને સાથે લઈને વડોદરા જઈ રહ્યો હતો. દરમ્યાન હાલોલ-વડોદરા રોડ ઉપર આનંદપુર પાસે સમીરની બાઈક ને કારની પાછળથી ટક્કર વાગતા સર્જાયેલ અકસ્માતમાં બાઈક સાથે રોડ ઉપર ધસાડાયેલા સમીરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે 12 વર્ષની આરોહી વિજયભાઈ ડામોરના બાજુમાંથી પસાર થતી ટ્રકના તોંતિગ પૈડાં ફરી વળતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું. જયારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત સમીરને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેના જમણા હાથમાં પહેરેલું ચાંદીનું કડું હાથમાં ઘૂસી ગયું હોવાથી તેને ઓપરેશન કરીને બહાર કાઢવું પડે તેવી સ્થિતિ હોવાથી તેને વધુ સારવાર માટે વડોદરા રીફર કર્યો હતો.
તાજપુરા પગપાળા જતી બે બહેનોને ટ્રકે અટફેટે લેતા એકનું મોત
હાલોલના તાજપુરા ખાતે આવેલ નારાયણધામમાં ભક્તોમાં પૂનમના દર્શન કરવા જવાનો વિશેષ મહિમા હોય છે. જે અંતર્ગત હાલોલ તાલુકાના ઉજેતી ગામે રહેતા કુસુમબેન વિજયભાઈ મકવાણા અને તેઓના ઘરે મહેમાન આવેલી તેમની સગી બહેન રમીલાબેન મહેન્દ્રભાઈ મકવાણા બાળકો સાથે પગપાળા તાજપુરા નારાયણ ધામ ખાતે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. દરમ્યાન વાસેતી ગામ પાસે રોડ ક્રોસ કરતા હતા. ત્યારે રમેશરા તરફ્ થી મોતેલા સાંઢની જેમ એક હાઇવા ટ્રકે આવી આ બંને બહેનોને હડફેટે લીધા હતા. જેમાં કુસુમબેન વિજયભાઈ મકવાણાને બંને પગમાં ફેક્ચર થતાં તેઓને સારવાર માટે હાલોલની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે તેમની સગી બહેન રમીલાબેન મહેન્દ્રભાઈ મકવાણા ઉ.વ.40, ઉપર હાઇવા ટ્રક ના તોતિંગ પૈડાં ફરી વળતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યુ હતુ. બનાવ ની જાણ હાલોલ રૂરલ પોલીસને થતાં રૂરલ પોલીસ ઘટના દોડી આવી હતી. અને મૃતક મહિલાનો મૃતદેહ હાલોલ સરકારી હોસ્પિટલના પીએમરૂમમાં મુકાવી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.