યાત્રાધામ પાવાગઢ ખાતે તળેટીમાં આવેલી શિવશક્તિ નિવાસ ધર્મશાળામાં ગત રાત્રીએ રોકાયેલા એસઆરપી ગ્રુપ કમાન્ડર પી.આઇનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા પાવગઢ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાવાગઢ ખાતે નડિયાદ એસઆરપી કંપની સી ગ્રુપ-7 ના 22 જેટલા પોલીસ જવાનો કાયમી બંદોબસ્ત માટે મુકાયા છે. આ જવાનો પાવાગઢ ખાતે જુદા જુદા પોઇન્ટ ઉપર ફરજ બજાવે છે. તેઓની સમયાંતરે આંતરિક બદલી પણ કરાય છે. ગત રોજ બુધવારે નિરીક્ષણ કરવા નડિયાદથી એસઆરપી ગ્રુપ કમાન્ડર પીઆઇ જી.આર પટેલ આવ્યા હતા. તેમના રાત્રી રોકાણ માટે પાવાગઢ ખાતે ફરજ બજાવતા પોલીસ જવાને પાવાગઢ તળેટીમાં આવેલ શિવ શક્તિ નિવાસ ધર્મશાળામાં રૂમ રાખી હતી. તેઓ સાંજે રૂમ પર પહોંચી થોડો આરામ કાર્ય બાદ રાત્રી ભોજન માટે સાથી કર્મચારી ટીફીન આપવા આવ્યા હતા.
ત્યારે તેમની સાથે બીજા દિવસની કામગીરી બાબતે ચર્ચા કરી સાથી જવાનો તેમની રૂમ પરથી જતા રહ્યા હતા. આજે ગુરુવારે વહેલી સવારે તેમની રૂમનો દરવાજો અડધો ખુલ્લો અને જમીન પર પડેલા જોતાં સામેની રૂમમાં રોકાયેલા યાત્રીકે ધર્મશાળાના વહીવટકર્તાને જાણ કરતા તેઓએ બનાવ અંગે પાવાગઢ પોલીસ અને એસઆરપી જવાનોને જાણ કરતા તેઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. તેમજ તપાસ કરતાં તેઓ મૃત હાલતમાં હોવાનું જણાતા પોલીસે તેમના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે રાત્રે સાથી કર્મચારી રૂમ પર થી ગયા પછી શું બન્યું તેમનું મોત કેવી રીતે નીપજ્યું તે એક રહસ્ય બની ગયું છે. જોકે તે રૂમમાં ટિફ્નિ તેમજ પ્લાસ્ટિક થેલીમાં ફ્રૂટ તેમજ પાણીની બોટલ હતી.