51 શક્તિપીઠ પૈકીના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન માં કાલિકા મંદિરમાં ચોરી થયાની ચર્ચાએ જોર પકડયું છે. જોકે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં ચોરીના પ્રયાસ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતા પાવાગઢ પોલીસે તપાસ હાથ ધરી છે.
પાવાગઢ મંદિર ખાતે આજે વહેલી સવારે ચોરી થયા અંગેની વાત વાયુવેગે ફેલાતા મંદિરના કેટલાક ટ્રસ્ટીઓ, જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ મંદિર ખાતે દોડી આવ્યા હતાં. જિલ્લા પોલીસ વડાએ આ બાબતે જણાવ્યું હતું કે, ગત રાત્રીના 1.30 વાગ્યાના સમય ગાળામાં મંદિરમાં સીડીઓ પરથી જવાના રસ્તાની બાજુમાં જે પાઇપો ખીણની નીચે તરફ્ જાય છે, ત્યાંથી એક વ્યક્તિએ ઉપર ચઢવાનો પ્રયત્ન કર્યો હોય તેવું ધ્યાને આવ્યું છે. આ બાબતે ટ્રસ્ટીઓનો સંપર્ક કરતા તેમણે પણ ચોરી માટે પ્રયત્ન કરાયો હોવાનું જણાઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. જો કે મંદિરમાંથી કોઈ વસ્તુ ચોરી થઇ હોય તેવું કંઈ જણાવયું નથી, છતાં ચોરીનો પ્રયાસ હોવાથી ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.