- માત્ર એસ.ટી બસોમાં યાત્રાળુઓને પરિવહનના પગલે
- આ પંદર દિવસ દરમિયાન એસ.ટી દ્વારા 16,711 ટ્રીપ ચલાવવામાં આવી
- આ સમય 5,53,809, બાળકો સહિત મુસાફ્રોને તળેટીથી માચી સુધી પરિવહન
સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રી અને ચૈત્રના પ્રથમ 15 દિવસ માટે જિલ્લા સમાહર્તાના જાહેરનામાને પગલે પાવાગઢ તળેટી ખાતેથી માચી સુધી માત્ર એસ.ટી બસોમાં યાત્રાળુઓને પરિવહન કરવાનું હોઇ આ સમયગાળા દરમિયાન એસટીને રૂા.1.05 કરોડ રૂપિયા જેવી માતબર રકમની આવક થઈ છે.
ચૈત્રી નવરાત્રી ને લઈને શક્તિપીઠ પાવાગઢ ખાતે જગતજનની મહાકાલીના દર્શનાર્થે લાખોની સંખ્યામાં માઇ ભક્તો આવતા હોય ડુંગર પર પાર્કિંગની સમસ્યાને લઈને જિલ્લા સમાહર્તા દ્વારા ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસથી ચૈત્રી પૂનમ સુધી ખાનગી વાહનોને ડુંગર પર જવા માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવે છે. જ્યારે આ સમયગાળા દરમિયાન યાત્રાળુ ઓ સુચારુ રૂપે માચી ખાતે જઈ શકે તે માટે વધારાની એસ.ટી બસો સતત 24, કલાક દોડાવવામાં આવતી હોય છે. જ્યારે ચૈત્રી નવરાત્રી પાવાગઢ માંચી મેળા 2024, દરમિયાન એસ.ટી દ્વારા એક્સ્ટ્રા સંચાલનની મળતી માહિતી મુજબ આ પંદર દિવસ દરમિયાન એસ.ટી દ્વારા 16,711 ટ્રીપ ચલાવવામાં આવી હતી. જેમાં 93,116 કી.મી. એસ.ટી બસ ચલાવવામાં આવી હતી. જેના દ્વારા એસટીને 1,05,83,727 રૂપિયાની આવક થઈ હોવાનું જાણવા મળે છે. જ્યારે આ સમયગાળા દરમિયાન એસ.ટી બસ રૂા. 113 પર કી.મી. આવક થઈ હોવાનું જાણવા મળેલ છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 5,53,809, બાળકો સહિત મુસાફ્રોને તળેટીથી માચી સુધી પરિવહન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
આ સમગ્ર કામગીરી માટે અલગ અલગ દિવસોમાં વધુમાં વધુ સરેરાશ 50, એસ.ટી બસ દ્વારા કુલ મળી 565 વાહનોની સંખ્યા હોવાનું જાણવા મળે છે. જ્યારે એસ.ટી વિભાગ તરફ્થી જાણવા મળતી માહિતી મુજબ પાંચમા નવરાત્રી અને તા. 14.4.24 ને રવિવાર ના રોજ વધુમાં વધુ 70,448 જેટલા યાત્રાળુઓને પરિવહન કરવામાં આવ્યું હતું. જ્યારે આ સમયગાળા દરમિયાન તા.19.4.24 ને શુક્રવારના રોજ 20,294 સૌથી ઓછા યાત્રાળુઓને પરિવહન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. જોકે ચૈત્ર માસના પ્રથમ પંદર દિવસ પૂર્ણ થતા હવેથી યાત્રાળુઓ પોતાના ખાનગી વાહનોને તળેટીથી ડુંગર સુધી પરિવહન કરવાની શરૂઆત કરી દેવામાં આવી.