H-1B spouses Work Permits: અમેરિકામાં એચ-1બી અને એલ-1 વિઝાધારકો માટે ખુશીના સમાચાર છે. આ વિઝાધારકોના જીવનસાથીના વર્ક પરમિટમાં વધારો કરવામાં આવ્યો છે. હવે તેઓ 180 દિવસના બદલે 540 દિવસ સુધી કામ કરી શકશે. અમેરિકાના હોમ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ એચ-1બી અને એલ-1 વિઝાધારકોના જીવનસાથી માટે ઓટોમેટિક વર્ક પરમિટ રિન્યુઅલ પિરિયડ 180 દિવસથી વધારી 540 દિવસ કરશે. આ બદલાવ 13 જાન્યુઆરી, 2025થી અમલી બનશે અને 4 મે, 2022ના રોજ કે ત્યારબાદ અરજી કરનારા પર લાગુ થશે.
આ નિર્ણય લેવા પાછળનો હેતુ વિઝા રિન્યુઅલ પ્રક્રિયામાં થતાં વિલંબને કારણે કામમાં થતાં વિક્ષેપો રોકવાનો છે, H-1B વિઝા ધારકોના જીવનસાથી (H-4 વિઝા) ગ્રીન કાર્ડ મેળવવા અને L-1 વિઝા ધારકોના જીવનસાથી (L-2 વિઝા) વર્ક પરમિટ મેળવવા પાત્ર છે. હોમલૅન્ડ સિક્યોરિટી સેક્રેટરી એલેજેન્ડ્રો એન. મેયરકાસે જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2021થી અમેરિકન અર્થતંત્રે 1.6 કરોડથી વધુ નોકરીઓનું સર્જન કર્યું છે. હોમલૅન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ વિવિધ વ્યવસાયોમાં કામદારોની ઉપસ્થિતિ જાળવી રાખવા પ્રતિબદ્ધ છે.
કામમાં થતો વિક્ષેપ દૂર થશે
રોજગાર સંબંધિત જરૂરી દસ્તાવેજો માટે ઓટોમેટિક એક્સટેન્શન પિરિયડમાં વધારો કરવામાં આવતાં કામદારો પર પડતાં કામના ભારણ અને નડતાં વિક્ષેપો દૂર થશે. તેઓ વધુ સમય સુધી કામ કરવા સક્ષમ બનશે, જે દેશના અર્થતંત્રને વેગ આપશે. ઇમિગ્રેશન સિસ્ટમમાં નડતાં પડકારો અને અડચણોમાં પણ ઘટાડો થશે.
એમ્પ્લોયરને થશે ફાયદો
આ નવા નિર્ણયથી અમેરિકાના એમ્પ્લોયર પોતાના કામદારોને વધુ સમય સુધી કામ આપી શકશે. તેમજ સમયસર EAD (એમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન ડૉક્યુમેન્ટ) રિન્યુએબલ ઍપ્લિકેશન્સ સાથે કામદારોને લાંબા સમય સુધી જાળવી શકશે.
- EADનો પ્રોસેસિંગ સમય ઘટશે. લાયકાત આધારિત કામ અંગે માગ વધશે.
- EAD વેલિડિટી પિરિયડ લંબાવવામાં આવતાં અરજદાર પાંચ વર્ષ સુધી નિશ્ચિત નોકરી કરી શકશે.
- રેફ્યુઝી EAD અરજદારોનો પ્રોસેસિંગ સમય ઘટશે.