ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલી સ્થિતિ અંતર્ગત ગુજરાત સરકારે તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરી નાંખી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી છે. કોર્પોરેશન, પંચાયત, બોર્ડ નિગમ સહિતના કર્મચારીઓની તમામ રજાઓ રદ કરવામાં આવી છે. રજા પર ગયેલા કર્મચારીઓને પરત બોલાવી લેવા સૂચના અપાઈ છે. કર્મચારીઓને મંજૂરી વિના હેડક્વાર્ટર નહીં છોડવા સૂચના આપી દેવાઈ છે.
પૂર્વ મંજૂરી મેળવ્યા વગર મુખ્ય મથક નહીં છોડવાની સૂચના
પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.એટલું જ નહીં, રજા પર ગયેલા આવા અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર કરવાની સૂચનાઓ પણ સંબંધિત વિભાગ કે ખાતાના વડાને અપાઈ છે. અધિકારી- કર્મચારીઓએ પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિભાગના વડા, ખાતાના વડા કે કચેરીના વડાની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર મુખ્ય મથક નહીં છોડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.
મુખ્યમંત્રીએ રાજ્યની સ્થિતિની સમિક્ષા કરી
મુખ્યમંત્રીએ પ્રવર્તમાન તનાવના વાતાવરણ સામે રાજ્યના સરહદી જિલ્લાઓની સજ્જતા સહિતની સ્થિતિની સર્વગ્રાહિ સમીક્ષા કરી હતી. સરહદી જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાઓએ પોતાના જિલ્લામાં હાથ ધરાયેલા સુરક્ષા સલામતી પ્રબંધનની વિગતો વિડિયો કોન્ફરન્સથી આપી હતી. સરહદી ગામોમાં ઈવેક્યુએશન પ્લાન્ટ – આપાતકાલમાં નાગરિક સંરક્ષણની ગતિવિધિઓ – આરોગ્ય સેવાઓ અને કોમ્યુનીકેશન નેટવર્ક સીસ્ટમ જાળવી રાખવા સહિતના વિષયોની મુખ્યમંત્રીએ સમિક્ષા કરીને માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યના સરહદી વિસ્તારોમાં એરફોર્સ, આર્મી, નેવી, કોસ્ટ ગાર્ડ, બી.એસ.એફ જેવી કેન્દ્રીય એજન્સીઓની સતર્ક કામગીરીની સરાહના કરી હતી.