ગોંડલ નાગરિક બેંકની તા.15ના રવિવારે યોજાઈ રહેલી ચૂંટણીમાં પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાના પૂત્ર ગણેશ જેલમાંથી ચૂંટણી લડતા હોય હરિફ જૂથે મતદારોને ગુંડારાજ નાબુદ કરવા ગણેશ જયરાજસિંહને હરાવવા કરેલી અપીલ વાયરલ થઈ છે. ભાજપના મેન્ડેટની આલોચના કરતા બેન્કના ડાયરેકટર યતિશ દેસાઈએ કહ્યુ કે જો હિંમત હોય તો જયરાજસિંહ કમળના નિશાન વિના ધારાસભા કે સુધરાઈની ચૂંટણી લડી બતાવે.
ગોંડલની આર્થિક જીવાદોરી ગણાતી બેન્કમાં ભાજપના જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરીયા દિવસ-રાત એક જ પરિવારના ગુણગાન ગાય છે તેમ જણાવતા બેન્કના પૂર્વ ચેરમેન યતિશ દેસાઈએ કહ્યુ કે ભાજપ સમર્પિત સતાધીશોના નેજા હેઠળ બેન્કમા કૌભાંડોની પરંપરા થતા રિઝર્વ બેન્કે લાલ આંખ કરવી પડી છે. વર્તમાન જૂથ દ્વારા અગાઉ જેન્તિભાઈ ઢોલ અને પૂર્વ સાંસદ રમેશ ધડૂકનો યુઝ કરી તેમને થ્રો કરી દીધા છે, ભાજપના કાર્યકર્તાનો ભાવ પૂછતા ન હતા, હવે ચૂંટણી આવી એટલે બધાને યાદ કરે છે. મતદારોને ભયભીત કરવા ગણેશ જેલમાંથી લડે છે એ વાતો ઉછાળાય છે પરંતુ ગોંડલના લોકોને કોઈ ફેર પડતો નથી. લોકોને જવાબ આપો કે 5 વર્ષમાં તમે કેટલા લોકોને નોકરી આપી? શું ડિવિડન્ડ આપ્યુ? ભેટમા પણ નબળી વસ્તુઓ આપવામાં આવી છે. ગત ચૂંટણીમાં જસદણમા જૂમા મસ્જિદ કોમ્પ્લેકસમાં મફત શેર આપવાના બોર્ડ લગાવનારા ખૂલાસો કરે કે માર્કેટ યાર્ડ આજે પહેલા ક્રમેથી પાંચમા ક્રમે કેમ ધકેલાઈ ગયુ? યાર્ડને રાજકીય અખાડો બનાવ્યો હવે પણ એ જ દિશામા લઈ જવાય છે ત્યારે સભાસદો માટે અમે સામે પડયા છીએ. બેન્કના પૂર્વ ચેરમેને એવો આક્ષેપ કર્યો હતો કે બેન્કની અંદર રહેલા લોકો રિઝર્વ બેન્કમાં ફરિયાદ કરી બેન્કનો વિકાસ રૂંધે છે. જો તમારી સરકાર હોય અને રિઝર્વ બેન્કને અમારી ફરિયાદમાં વજૂદ જણાતુ હોય તો તમારે વિચારવુ જોઈએ તેવુ તેમણે જણાવ્યુ હતુ.
આજે ગોંડલમાં નાગરિક બેન્કની ચૂંટણી માટે મતદાન થશે અને બાદમા પરિણામ જાહેર કરવામાં આવશે.
ચાઈનીઝ લસણ યાર્ડમાં ઘૂસી ગયું ત્યારે તમે સૂતા હતા?
ગોંડલમાં માર્કેટ યાર્ડમાં ભાજપનું શાસન હોવા છતાં ચાઈનીઝ લસણ ઘૂસી ગયુ ત્યાં સુધી તમે સૂતા રહ્યા? ઝીરો એનપીએ કરવા એક લોન ધારકને વ્યાજ ભરવા કેમ ફરી લોન આપી? ગોંડલ છોડી જસદણમાં મફત શેરના પોસ્ટર શા માટે? માર્કેટ યાર્ડ કેમ પાંચમા ક્રમે ધકેલાઈ ગયુ? સંસદમા રીબડા જૂથે ભાજપનો ખેસ ધારણ કરેલો, એ વિષે કેમ નથી બોલતા 9 કરોડના ખર્ચે નવા બિલ્ડિંગનો શું અર્થ છે? કોના માટે આ નિર્ણય થયો?