- શિવ નગરયાત્રાને લઈને ગોંડલમાં શિવમય માહોલ સર્જાયો
- કાશી વિશ્વનાથ મંદિરથી સંતો મહંતોના વૈદિક મંત્રોચ્ચાર સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યુ
- શહેરના તમામ શિવ મંદિરોના સંતો, મહંતો, સાધુ સમાજ નગર યાત્રામાં જોડાયા
પાવન અને પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે ગોંડલ શહેરમાં શિવ નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. શિવ નગરયાત્રાને લઈને ગોંડલમાં શિવમય માહોલ સર્જાયો હતો, મુક્તેશ્વર ટ્રસ્ટ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા હિન્દુ ઉત્સવ સમિતિના સંયુક્ત ઉપક્રમે શ્રાવણ માસના પ્રથમ દિવસે ભગવાન શિવજીની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શહેરમાં મુખ્ય માર્ગો પરથી 5 કિલોમીટરના રૂટ પર યાત્રા નીકળી હતી અનેક સામાજિક સંસ્થાઓ, સેવાકીય ગ્રુપ દ્વારા ઠેર ઠેર, શરબત, આઈસ્ક્રીમ, ચા-પાણી સહિતના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. શોભાયાત્રામાં ભગવાન શિવજીની વિશાળકદની દૈદિપ્યમાન મુર્તિ સાથેના મુખ્ય રથ, બે DJ, બાઈકો, કાર, સાથે અન્ય ફલોટસ, મંડળો, ધુન મંડળો જોડાયા હતા. કાશી વિશ્વનાથ મંદિરથી સંતો મહંતોના વૈદિક મંત્રોચ્ચાર સાથે ધારાસભ્ય ગીતાબા જાડેજા અને નગરપાલિકાના પ્રમુખ, ઉપ પ્રમુખ અને સદસ્યો દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કોલેજ ચોક, શ્યામવાડી ચોક, ભુવનેશ્વરી રોડ, ખટારા સ્ટેન્ડ, કડીયાલાઈન, માંડવીચોક, મોટીબજાર, પાંજરાપોળ, જેલચોક, કુંભારવાડા, ભોજરાજપરા, સાઈડીંગ રોડ થઈ મુક્તિધામ મુક્તેશ્વર મહાદેવ મંદિરે પુર્ણ કરવામાં આવી હતી.
સાધુ, સંતો, મહંતો, શોભાયાત્રા જોડાયા
શોભાયાત્રામાં શહેરના તમામ શિવ મંદિરોના સંતો, મહંતો, સાધુ સમાજ નગર યાત્રામાં જોડાયા હતા. ગોંડલ ખાતે શિવજીની નગર યાત્રાનું સતત બીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ, મંડળો, અગ્રણીઓ, આગેવાનો સહિત લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
નગર યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું
સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વાર શ્રાવણ માસના પ્રથમ દિવસે ગોંડલ શહેરમાં ભવ્ય ભગવાન શિવજીની નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સમગ્ર નગર યાત્રાના રૂટ પર ઠેર ઠેર વિવિધ સમાજના લોકો, તેમજ રાજકીય આગેવાનો દ્વારા પુષ્પ અને હારતોરા કરી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા ઠંડુ પાણી, શરબત, આઈસ્ક્રીમ, કોલ્ડ્રીંક્સ, ફ્રુટના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
સમગ્ર યાત્રાના રૂટ પર ઝંડીઓ લગાવાઈ
ગોંડલ શહેરમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સતત બીજા વર્ષે પણ ભગવાન શિવજીની નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે યાત્રા જે રાજમાર્ગો પરથી પસાર થવાની હતી, તે સમગ્ર રૂટને ધજાથી શણગારવામાં આવ્યો હતો. તેમજ યાત્રામાં અંદાજે 500 જેટલા બાઈક અને કાર સવારો ઝંડી સાથે યાત્રામાં જોડાયા હતા.