આજે દિવાળીના શુભ દિવસે જ પોલીસે દરોડો પાડીને ગોંડલમાંથી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. ગોંડલ જામવાડી પાસે વડવાળા હોટલની પાછળથી બે શખ્સો દારૂના મોટા જથ્થા સાથે ઝડપાયા છે. દારૂના કટિંગ સમયે જ રૂરલ LCB અને SOG બ્રાન્ચે દરોડો પાડ્યો અને મુદ્દામાલ ઝડપી લીધો છે.
ત્રણ વાહનો સહિત કુલ રૂપિયા 46 લાખનો મુદ્દામાલ જપ્ત
રૂરલ LCB અને SOGએ દરોડો પાડીને 519 પેટી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને આ સાથે જ ત્રણ વાહનો સહિત કુલ રૂપિયા 46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તમને જણાવી દઈએ કે વહેલી સવારે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં રૂરલ LCB PI વી.વી. ઓડેદરા, PSI બી.સી.મિયાત્રા, અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, મહિપાલસિંહ ચુડાસમા, વાઘાભાઈ આલ, SOG બ્રાન્ચના જયવીરસિંહ રાણા, પ્રહલાદસિંહ રાઠોડ સહિતનો સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો.
રાજકોટ શહેરમાં પણ દારૂની ખુલ્લેઆમ રેલમછેલ
બીજી તરફ રાજકોટ શહેરમાં પણ દારૂની ખુલ્લેઆમ રેલમછેલ જોવા મળી રહી છે. માવડી ચોક પાસે ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણતા શખ્સોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 3 શખ્સો ખુલ્લેઆમ દારૂની પોટલીઓ પી રહ્યા છે. આ વીડિયો ઉપરથી સ્પષ્ટ થાય છે કે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. દારૂ ઢીંચીને દારૂડિયાઓ રસ્તા પર જ સુઈ ગયા અને પોલીસનો દારૂડિયાઓને કોઈ ડર જ ના રહ્યો હોય તેમ જાહેરમાં મહેફિલ માણી રહ્યા હતા.
ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો નવો કીમિયો સામે આવ્યો
હવે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો રૂટ અને તરકીબ બદલાઈ હોય તેવી લાગી રહ્યું છે. રાજ્યમાં દારૂ ઘુસાડવાનો નવો કીમિયો સામે આવ્યો છે. ગઈકાલે જ જસદણના મોટા દડવા ગામની સીમ વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. રાજકોટ ગ્રામ્ય LCBએ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. HP ગેસની બોટલમાં બોક્સ બનાવી દારૂ સંતાડવામાં આવ્યો હતો. HP ગેસની બોટલમાં લાખો રૂપિયાનો દારૂ લાવવામાં આવી રહ્યો હતો. મોટા પ્રમાણમાં દારૂ સહિત એક ટ્રક યુટીલીટીનો મુદ્દામાલ રાજકોટ ગ્રામ્ય LCBએ જપ્ત કર્યો હતો. હાલમાં રાજકોટ ગ્રામ્ય LCBએ આરોપીની શોધખોળ શરૂ કરી છે. રાજકોટ LCBએ દારૂ મામલે વધુ તપાસ હાથ ધરી છે.