વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના તમામ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી આપવાનું નિર્ધાર અમારી સરકારે કર્યો છે. આ અભિયાનના ભાગરૂપે નર્મદા મુખ્ય નહેર આધારિત બલ્ક પાઈપલાઈન દ્વારા પંચમહાલ જિલ્લામાં અંદાજિત 31.62 કરોડ રૂપિયાના ખર્ચે નવીન સરસાવ જૂથ યોજના તૈયાર કરવામાં આવી રહી છે.
82,300 નાગરિકોને પીવાનું પાણી ઉપલબ્ધ થશે
આ જાણકારી વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આપતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે સરસાવ જૂથ યોજના શરૂ થવાથી પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના 16 તેમજ ઘોઘંબા તાલુકાના 4 એમ કુલ 20 ગામના અંદાજે 82,300 નાગરિકોને પીવાનું પાણી ઉપલબ્ધ થશે.
સમગ્ર પાણી પુરવઠા યોજનાની કામગીરી હાલમાં પ્રગતિમાં
આ યોજના અંતર્ગત 11.79 MLD શુદ્ધિકરણ પ્લાન્ટ, બે ભૂગર્ભ સંપ, 5 પંપિંગ મશીન, 184 કિ.મી.ની વિસ્તરણ પાઇપ લાઇન, ગામોમાં RCCની પાણીની ટાંકીઓ, વિવિધ સંપ, કમ્પાઉન્ડ વોલ તેમજ સ્ટાફ ક્વોટર્સ જેવી આનુસાંગિક કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ સમગ્ર પાણી પુરવઠા યોજનાની કામગીરી હાલમાં પ્રગતિમાં છે જે વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે તેમ મંત્રીએ ગૃહમાં વધુ માહિતી આપતાં કહ્યું હતું.