- જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયા
- આરોપીઓની કોર્ટને લગતી તમામ કાર્યવાહી અમદાવાદથી કરાશે
- નીટ પરીક્ષા ષડયંત્રના આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં લઇ જતી પોલીસ.
નીટ પરીક્ષા ષડયંત્રની તપાસ કરી રહેલી સીબીઆઇ ટીમ દ્વારા ગોધરા સબજેલ કસ્ટડીમાંથી ચાર આરોપીઓના ગોધરા કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.
આ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં ચારેય આરોપીઓને પંચમહાલ જિલ્લા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સજ્જ સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટે તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે. દરમિયાન સીબીઆઈ દ્વારા હવે આ તપાસ કરવામાં આવતી હોવાથી આરોપીઓની કોર્ટને લગતી તમામ કાર્યવાહી અમદાવાદ ખાતેથી કરવામાં આવશે.
ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાયેલી નીટ પરીક્ષાની તપાસ સીબીઆઇ દ્વારા કરવામાં આવી રહી છે. પકડાયેલા ચાર આરોપીઓને ગોધરા કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. સીબીઆઇએ જય જલારામ સ્કૂલના મુખ્ય ટ્રસ્ટી દીક્ષિત પટેલની પૂછપરછના અંતે ધરપકડ કરી અમદાવાદ સીબીઆઇ સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. દરમિયાન કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતા હાલ દીક્ષિત પટેલને ગોધરા સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવ્યા છે. સીબીઆઈ કસ્ટડીમાં રહેલા ચારેય આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં મંગળવારે ગોધરા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં આરોપીઓને રજૂ કરતા કોર્ટે તમામ આરોપીઓને ગોધરાની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરતાં ગોધરા જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડવામાં આવ્યા હતા.