- જાહેર માર્ગો ઉપર રખડતાં પશુઓનો ઠેર ઠેર જમાવડો
- રાહદારીઓ અને દ્વિચક્રી વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય
- પશુ માલિકોને પોતાના પશુઓ રખડતાં નહિ મુકવાની સૂચના
ગોધરા શહેરના જાહેર માર્ગો ઉપર હાલ રખડતાં પશુઓનો ઠેર ઠેર જમાવડો જોવા મળી રહ્યો છે. પિક અવર્સમાં આ રખડતાં પશુઓ વાહન ચાલકો માટે ક્યારેક જોખમી રૂપમાં જોવા મળતા હોય છે, સાથે ટ્રાફિક જામની સમસ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
રાહદારીઓ અને દ્વિચક્રી વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય
ટ્રાફિક પોલીસને ટ્રાફિક નિયમન સાથે ગોવાળ બની માર્ગ ઉપર એકત્રિત થયેલા પશુઓને હટાવવાની ફરજ પડતી હોય એવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. રાહદારીઓ અને દ્વિચક્રી વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. એક તરફ શહેરમાં હાલ બે બાજુ ફ્લાય ઓવર બ્રિજ નિર્માણ કામગીરી ચાલી રહી છે એવા સંજોગોમાં રખડતાં પશુઓ પણ માર્ગ વચ્ચે અડીંગો જમાવી દેતાં જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગોધરા શહેરમાં અગાઉ રખડતાં પશુઓના કારણે એક મહિલાએ જીવ ગુમાવવો પડ્યો હતો અને અનેક રાહદારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હોવાની ઘટનાઓ બની ચુકી છે. જોકે નગરપાલિકા દ્વારા રખડતાં પશુઓને પાંજરોપોળમાં મોકલવાની કામગીરી કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ સ્થિતિ ઠેરની ઠેર થઈ જતી હોય છે. હાલમાં પણ નગરપાલિકાએ પશુ માલિકો સાથે પરામર્શ બેઠક યોજી પોતાના પશુઓ રખડતાં નહિ મુકવાની સૂચના આપવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ જારી રાખવામાં આવશે એવું પાલિકા પ્રમુખ જણાવી રહ્યા છે.