નગરના નગરજનોને સુખાકારીને લગતી યોજનાઓ જેવી કે લાઈટ પાણી, ગટર વ્યવસ્થા અને સારા રસ્તા આપવાનું કામ નગરપાલિકાની જવાબદારીમાં આવતું હોય છે, જેના માટે નગરપાલિકાઓ પોતાના શહેરીજનો પાસેથી ટેક્સ લઈને પોતાના ખર્ચનું નિભાવ કરતી હોય છે.
માંડ માંડ કર્મચારીઓનો પગાર કરી શકે છે પાલિકા
પરંતુ નગરપાલિકાઓના અણઘડ વહીવટના કારણે કેટલીકવાર પોતે દેવામાં ડુબી જતી હોય છે અને કંઈક આવું જ ગોધરા નગરપાલિકામાં બન્યું છે. ગોધરા નગરપાલિકાના પોતાના આવકના સાધનો, નગરજનો પરનો કરવેરો હોવા છતાં આજે ગોધરાની નગરપાલિકા કરોડો રૂપિયાના દેવા હેઠળ દબાયેલી છે. ગોધરા પાલિકા માંડ માંડ તેના કર્મચારીઓનો પગાર કરી શકે છે અને તેમાંય નગરજનો માટે લાઈટ અને પાણીની સુવિધાઓમાં તો કરોડોનું બિલ બાકી છતાં લોકોને તકલીફ ના પડે તે માટે હજુ સુધી લાઈટ પાણી નગરજનોને મળી રહ્યું છે.
નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ અને વોટર વર્ક્સનું માતબર રકમનું બિલ ચૂકવાયું નથી
MGVCLના જણાવ્યા મુજબ કોરોનાકાળ બાદ ગોધરા નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ અને વોટર વર્ક્સનું 16 કરોડ જેટલું માતબર બિલ ચૂકવાયું નથી અને વિજવિભાગની વારંવારની નોટિસના જવાબમાં થોડા રૂપિયા ભરી અને વિંનતીથી લાઈટ અને પાણીનો પુરવઠો યથાવત રાખવામાં આવે છે. જોકે સરકાર દ્વારા વીજ બીલ પ્રોત્સાહક યોજના અંતર્ગત રાજ્યની જે નગરપાલિકાઓને વિજબીલના નાણાં ભરવા સક્ષમ ના હોય એ પાલિકાઓને તેમને મળતી ગ્રાન્ટમાંથી લોન પેટે વીજ બીલ ચુકવી આપવાની યોજના મુકવામાં આવતા કંઈક અંશે રાહતનો શ્વાસ પાલિકા લઈ રહી છે.
ગોધરા શહેરમાં વીજળીનો જેમ ફાવે એમ બગાડ થતો જોવા મળે છે
ગોધરા પાલિકા દ્વારા ઠરાવ કરી વિજબીલ ચૂકતે કરવા સરકારને મોકલી આપ્યો છે અને MGVCLને હવેથી સરકાર હપ્તેથી બાકી રહેલા નાણાં ચુકવશે અને સરકારે ચુકવેલા નાણાં પાલિકાની ગ્રાન્ટમાંથી કપાઈ જશે, એવી વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે દેવાદાર ગોધરા નગરપાલિકાને સરકાર દ્વારા વિજબીલ ચુકવવામાં જે મદદ કરવાની વાત થઈ ત્યારબાદ હવે ગોધરા શહેરમાં વીજળીનો જેમ ફાવે એમ બગાડ થતો જોવા મળે છે. હાલ જ્યાં નજર કરો ત્યાં ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ઝળહળતી જોવા મળે છે એટલે કે પાલિકા વીજ બચત માટે કોઈ પ્રકારની વ્યવસ્થા કરતી જોવા નથી મળતી. હાલ તો 14.5 કરોડ ઉપરાંત પાણીના વીજબીલ નાણાં અને 1.5 કરોડ જેટલાં સ્ટ્રીટ લાઈટ અને અન્ય મળી કુલ 16 કરોડ જેટલી રકમ MGVCLને ચુકવવાની બાકી છે.