- બે દુકાનોમાં અનઅધિકૃત રીતે ખાદ્ય સામગ્રી બનાવતા હોવાનો થયો ખુલાસો
- છાશ અને શિખંડ જે દુકાનમાંથી લાવ્યા હતા તે 2 દુકાનોને સીલ કરાઈ
- ગીરસોમનાથ જિલ્લા કલેકટરની મોટી કાર્યવાહી
વેરાવળના માથાસુરિયા ગામે લગ્ન પ્રસંગના જમણવારમાં 250 જેટલા વ્યક્તિઓને ફૂડ પોઇઝનિંગ ની અસર થતા સારવારમાં ખસેડવાની ફરજ પડી હતી. આ બનાવ અંગે માથાસુરિયા ગામના સરપંચ જીવાભાઇના જણાવ્યા મુજબ માથાસુરીયા આ ગામે મશરીભાઇ મીઠાભાઈ સોલંકી ની દીકરી ના લગ્ન પ્રસંગ હોય અને તાલાળા તાલુકાના લાડુડી ગામેથી જાન આવેલ હોય ગુરૂવારે સાંજના લગ્ન પ્રસંગના જમણવાર બાદ માંડવીયાઓ અને જાનૈયાઓને ઝાડા ઉલટી ની વ્યાપક ફરિયાદ ઉઠી હતી અને તમામ લોકોને સારવારમાં ખસેડવાની ફરજ પડી હતી.ફૂડ પોઇઝનિંગના અસરગ્રસ્ત વ્યક્તિઓને કોડીદ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ તાલાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અપાવવામાં આવી હતી.
જિલ્લા કલેકટરની મોટી કાર્યવાહી
વેરાવળના માથાસુરિયા ગામે લગ્ન પ્રસંગમાં એક સાથે 200 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા તંત્રમાં દોડધામ મચી હતી,વાત એટલી પ્રસરી ગઈ કે ખુદ જિલ્લા કલેટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસના આદેશ આપ્યા હતા.તાલાલાના ઘુસીયા અને ગુંદરણ ગામની દુકાનોમાં અનઅધિકૃત રીતે ખાદ્ય સામગ્રી બનાવતી અને વેચાતી હોવાનું સામે આવતા તંત્રએ આ બન્ને દુકાનોને સીલ માર્યા હતા,આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, મામલતદાર તાલાળા, તાલુકા વિકાસ અધિકારી તાલાળાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી.સાથે સાથે લોકોના આરોગ્ય સાથે છેડા થાય તે પ્રકારે આવા અખાદ્ય ચીજ વસ્તુના વ્યવસાય કરતા લોકોને ટૂંકા આર્થિક લાભ માટે આવી પ્રવૃત્તિ બંધ કરવા તાકીદ કરવામાં આવી છે.
સારવાર માટે બેડ ખૂટયા
ફૂડ પોઇઝનિંગની સૌ પ્રથમ અસર બાળકોમાં જોવા મળી હતી. જ્યારે મોડી રાત્રે યુવાનો અને વડીલોમાં પણ મોટા પ્રમાણમાં ઝાડા ઉલ્ટીના કેસ જોવા મળ્યા બાદ ગામમાં દોડધામ મચી ગઇ હતી. ગામમાં આશરે 200 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા સરકારી હૉસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા હતા. આખરે વહેલી સવારે 6 કલાકે વેરાવળ આરોગ્ય વિભાગની ટીમો ગામમાં દોડી આવી હતી અને 91 જેટલા લોકોને ગામની અંદર જ સારવાર આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમોએ લોકોને ગામની અંદર જ બોટલો ચડાવવાની ફરજ પડી હતી.
9 એપ્રિલ 2024ના રોજ બાવળામાં પણ ફૂડ પોઈઝનિંગની ઘટના
અમદાવાદ જિલ્લાના બાવળાના ઝેકડા ગામે સાત બાળકોને વાસી ભાત ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના સામે આવી હતી. જેમાં એક 7 વર્ષની બાળકીનું મોત થયું છે. બીજી તરફ 2 વર્ષથી માંડીને 10 વર્ષની વયના 6 બાળકોને વધુ સારવાર માટે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. જે પૈકી ત્રણ બાળકોને ઝાડા ઉલટીની અસર વધારે વર્તાઈ રહી હતી. બાકી ત્રણ બાળકોને ઓછી માત્રામાં ડિહાઈડ્રેશન હતુ. બાવળાના ઝેકડામાં ઈટો પકવવાના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા પરિવારના બાળકો વાસી ખોરાકને લીધે ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા હતા. પરિવારજનના કહેવા પ્રમાણે બાળકોએ રાતે ભાત ખાધા હતા એ પછી રાતે તબિયત લથડી હતી. સવારે 7 વાગ્યા પછી બાળકોને એકાએક ઉલટીઓ થવા લાગી હતી.