- સૂત્રાપાડા અને તલાલાના પોલીસકર્મીઓ સામે ફરિયાદ
- 6થી વધુ પોલીસકર્મીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ
- થોડા દિવસ અગાઉ જેલમાં યુવકનું થયું હતું મોત
ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા પોલીસ સ્ટેશનના પોકસોના ગુનાના આરોપીના કસ્ટોડીયલ ડેથનો મામલો વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે,ત્યારે આજે સૂત્રાપાડા અને તલાલાના પોલીસકર્મીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.થોડા દિવસ અગાઉ જાફરાબાદના ભટવદર ગામનો યુવાન સૂત્રાપાડા જેલમાં ઈજાગ્રસ્ત થયો હતો તેનું મોત થયું હતું.
પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધવા કરી હતી માંગ
સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા, રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના પુત્ર તેમજ માંધાતા ગ્રુપના રાજુ સોલંકી સહિતના કોળી સમુદાયના લોકો સુત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ધસી આવ્યા હતા અને મૃતકને માર મારવામાં કસૂરવાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે પણ ગુનો નોંધવા માટેની ઉગ્ર માંગ કરવામાં આવી હતી.સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તો ત્યાં સુધી ચિમકી ઉચારી હતી કે જો જવાબદારો સામે ગુનો નોંધવામાં નહીં આવે તો અમે મૃતદેહ સાથે સૂત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે ધરણા પર બેસી જઈશું અને ગુજરાતભરના કોળી સમાજના સમુદાય અહીં ઉમટી પડશે.
શુ હતો પોલીસનો દાવો
સૂત્રાપાડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં પોતાની જાતે જેલના સળિયા સાથે માથું અથડાવી પોતાને ઇજા કર્યાના CCTV ફૂટેજ પોલીસ વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા હતા અને પોલીસ પર માર માર્યાના આક્ષેપો તદન પાયાવિહોણા હોવાનો ગીર સોમનાથ પોલીસનો દાવો છે.આરોપીના પરિવાર દ્વારા ચાર દિવસે પણ મૃતદેહ સ્વીકાર્યો ન હતો.જ્યાં વિભાગીય પોલીસ અધિકારી વી.આર.ખેંગાર સહિતના પોલીસ અધિકારીઓએ કોળી સમાજ આગેવાનોની રજુઆત સાંભળી હતી અને સમગ્ર ઘટનાથી અવગત કરાવ્યા હતા.