જૂનાગઢ: જય ગિરનારીના નાદ સાથે ગિરનાર લીલી પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે. કારતક સુદ અગિયારસથી પૂનમ સુધીની ચાલતી પરિક્રમા અત્યાર સુધી આશરે 1 લાખથી વધુ લોકોએ પૂર્ણ કરી લીધી છે. વિધિવત પરિક્રમા શરૂ થતા પહેલા જ આટલી મોટી સંખ્યામાં લોકોએ પરિક્રમા પૂર્ણ કરી પુણ્યનું ભાથું બાંધી દીધું હતું. ગિરનારની પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ભાવિક ભક્તો માતા અંબાના દર્શને જતા જોવા મળી રહ્યા છે.
પરિક્રમા પૂર્ણ કરી ભક્તો કરે છે મા અંબાના દર્શન
પરિક્રમાની પૂર્ણ થયા બાદ ગિરનાર પર માં અંબાના દર્શનનું અનેરૂ મહત્વ રહેલું છે. જેટલા પણ પરિક્રમા કરવા આવનાર લોકો છે તે પરિક્રમાની સાથે સાથે ગિરનાર પર મા અંબાના દર્શને જઈ રહ્યા છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પરિક્રમા માટે ઉમટી પડતા ગિરનાર પર્વત પર પગ મુકવાની પણ જગ્યા નથી તેટલી ભીડ જોવા મળી રહી છે.
દામોદર કુંડમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ
ભક્તો પરિક્રમા પૂર્ણ કરી દામોદર કુંડમાં ડુબકી મારતા પણ દેખાઈ રહ્યા છે. પરિક્રમા બાદ કુંડમાં સ્નાન કરવાનું મહત્વ છે. જેથી ભક્તો પરિક્રમા પૂર્ણ કરી સૌથી પહેલા માં અંબાના દર્શને અને ગુરુદત્તાત્રેય ભગવાનના દર્શને જાય છે અને ત્યારબાદ દામોદર કુંડનો સ્નાન કરી ઘરે રવાના થઈ રહ્યા છે.
હજુ આવનારા દિવસોમાં ભીડ વધવાની શક્યતા
આ ગિરનારની લીલી પરિક્રમા આવતીકાલે એટલે કે, કારતક સુદ અગિયારસથી શરૂ થતી હોય છે. આ પરિક્રમાને માણવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓએ બે દિવસ પહેલા જ આવવાની શરૂઆત કરી દીધી હતી. જેથી પ્રવાસીઓના ધસારાને જોતા વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને પરિક્રમામાં પ્રવેશ આપવાનું એક દિવસ પહેલા શરૂ કરી દેવામાં આવી હતી.
એક દિવસ અગાઉ શરૂ કરાઈ હતી પરિક્રમા
એક દિવસ અગાઉ 1.70 લાખ યાત્રિકોએ પરિક્રમા શરૂ કરી હતી. જે એક લાખ લોકોએ પૂર્ણ કરી લીધી છે. આ પરિક્રમા ઈટવા ગેટ થી શરૂ થયેલ પરિક્રમા જીણાબાવાની મઢી, સરખડીયા હનુમાન, મારવેલા નાળ, પાણીની ઘોડી બાદ બોરદેવીએ પૂર્ણ થાય છે. અંતિમ પડાવ બોરદેવી ખાતે હજારો ભાવિકો આવી પહોંચ્યા છે અને હજુ ભાવિકોની ભીડ વધી રહી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર