જૂનાગઢના ગિરનારમાં જય ગિરનારીના નાદ સાથે લીલી પરિક્રમાનો આજ રોજ પ્રારંભ થયો છે. ભાવિકોનો ધસારો થતાં એક દિવસ વહેલી પરિક્રમા શરૂ થઈ છે. 25 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. હજુ ભાવિકોનો પ્રવાહ લીલી પરિક્રમા માટે યથાવત છે.
ગિરનારનું પરમ સૌંદર્ય વિશિષ્ટ અને વૈવિધ્યસભર વનસ્પતિઓને આભારી છે. યોગીઓ, સંતો, સિધ્ધો અને સાધુઓનું ગિરનાર નિવાસસ્થાન છે. તેની ગેબી ગુફાઓ અને કોતરોમાં અઘોરીઓ વસે છે. ગિરનારને ઇતિહાસ પુરાણ માં રૈવત, રેવંત, રૈવતક, કુમુદ, રૈવતાચળ અને ઉજજ્યંત પર્વત તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. ગિરનારને વસ્ત્રાપથ ક્ષેત્ર પણ કહે છે. દિવાળી-નવા વર્ષની શરૂઆત થતા જ કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનાર પર્વતને ફરતે પ્રદક્ષિણાને ગિરનારની પરીક્રમા કહેવામાં આવે છે.
ગિરનારની ફરતે 36 કી.મી.ની ચાર દિવસ પરિક્રમા
ગિરનારએ અગ્નિકૃત પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજની જગપ્રસિધ્ધીની મહેક પ્રસરી રહી છે આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દરવર્ષે યોજાય છે. જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે. ગિરનારની ફરતે યોજાતી આ 36 કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે. આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી. ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભુ છે.
12થી 15 નવેમ્બર દરમિયાન ગિરનાર લીલી પરિક્રમા થનારી છે. ગરવા ગિરનાર પરિક્રમમાં પુણ્યનુ ભાથુ બાંધવા માટે લાખો ભાવિકો માટે ઉમટી પડે છે. આ પરિક્રમા ગિરનાર અભયારણ્ય વિસ્તાર હોવાથી અને પ્રકૃતિને નુકસાન ન પહોંચે તે માટે શ્રદ્ધાળુઓએ વિશેષ નિયમો પાલન કરવાનું રહે છે. આ માટે વન વિભાગ દ્વારા ગિરનાર પરિક્રમાનો નિયત રૂટ જાહેર કરવાની સાથે શ્રદ્ધાળુઓએ પાલન કરવાના આવશ્યક નિયમો-જાહેર સૂચનાઓ પણ બહાર પાડી છે.
ગિરનાર પરિક્રમાનો 36 કિ.મી.નો રૂટ
- ગિરનાર લીલી પરિક્રમા ભવનાથથી પ્રારંભ
- ભવનાથથી રૂપાયતન સુધીનો રસ્તો
- રૂપાયતનથી ઈંટવા સુધીનો માર્ગ
- ઈંટવાથી ચાર ચોક થઈ જીણાબાવાની મઢી સુધીનો રસ્તો
- જાંબુડી થાણાથી ચાર ચોક સુધીનો રસ્તો
- જીણાબાવાની મઢીથી માળવેલા સુધીની કેડી
- ઝીણા બાવાની મઢીથી સરકડીયા હનુમાન સુધીની કેડી
- માલીડાથી પાટવડ કોઠા થઈ સુરજકુંડ સુધીનો રસ્તો
- સુરજ કુંડથી સરકડીયા સુધીનો રસ્તો
- સુરજ કુંડથી સુખનાળા સુધીનો રસ્તો
- સુખનાળાથી માળવેલા સુધીની કેડી
- માળવેલાથી નળપાણીની ઘોડીની કેડી
- નળપાણી ઘોડીથી નળપાણીની જગ્યા સુધીની કેડી
- નળપાણી જગ્યાથી બોરદેવી ત્રણ રસ્તા સુધીની કેડી
- ત્રણ રસ્તાથી બોરદેવી અને બોરદેવીથી ભવનાથ સુધીનો રસ્તો
- આમ ભવનાથમાં આ 36 કિ.મી.ની પરિક્રમા પૂર્ણ થાય છે.
ગિરનાર પરિક્રમામાં શ્રદ્ધાળુઓએ પાળવાના નિયમો
- ગિરનાર વન્યપ્રાણી અભ્યારણમાં પરિક્રમા દરમિયાન નક્કી કરાયેલ રસ્તા-કેડીઓનો ઉપયોગ કરવો
- અન્ય વન્યપ્રાણી અભ્યારણ વિસ્તારમાં કોઈએ પ્રવેશ કરવો નહીં.
- વન્યપ્રાણીઓને ખલેલ પહોંચાડવો કે છંછેડવા નહીં.
- જંગલને તથા વન્યજીવોને નુકસાન થાય તેવા કૃત્યઓ પણ કરવા નહીં.
- વન્ય પ્રાણી અભયારણ્યમાં વૃક્ષો વનસ્પતિ વાસ વગેરેને કાપવા નહીં
- ઘોંઘાટથી અધાર્મિક નાચગાનની પ્રવૃત્તિઓ પણ સંપૂર્ણ મનાઈ
- પરિક્રમાર્થીઓએ પરિક્રમા રૂટ સિવાય અન્ય ગિરનાર અભયારણ્યના ભાગમાં પ્રવેશવું નહીં
- પરિક્રમાના નિયત પડાવ સિવાય અન્ય જગ્યાએ રાત્રિ રોકાણ કરવું નહીં
- વિસ્ફોટક પદાર્થ, ફટાકડા તથા ઘોંઘાટ થાય તેવા સ્પીકરો રેડિયો વગેરે પર પ્રતિબંધ
- વ્યવસાયિક ધંધાના કે જાહેરાતના હેતુ માટે છાવણી કે તંબુ રેકડી સ્ટોલ રાખવાની સખત મનાઈ
- અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક થેલી કે બેગનો ઉપયોગ કરવા પણ મનાય
- પાન, માવા, ગુટકા, તંબાકુ, બીડી, સિગારેટ વગેરેના વેચાણ તેમજ વપરાશ માટે સંપૂર્ણ પ્રતિબંધ
- આ અભયારણ્ય વિસ્તારમાં પાણીના સ્ત્રોતોમાં સાબુ, શેમ્પૂ, ડિટરજન્ટ પાવડરનો ઉપયોગ ન કરવો