ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચે ઓનલાઈન કેસિનો અને સટ્ટો રમાડવાના ષડયંત્રનો પર્દાફાશ કરી ચાર આરોપીની ધરપકડ કરી છે. આ ચારેય આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવી આગામી દિવસમાં લોકલ ક્રાઈમ બ્રાંચ મોટા ખુલાસા કરવાની તૈયારીમાં લાગી ગઈ છે.
.
ગાંધીનગરથી પકડાયેલી ગેંગ લાંબા સમયથી આ ધંધો કરતી હતી. તેઓ પોતાની જગ્યા સતત બદલતા રહેતા હતા અને રાજ્યના અનેક શહેરોમાં તેમણે મકાન ભાડે રાખી કરોડો રૂપિયાનો જુગાર રમાડ્યો હોવાની આશંકા છે. સંખ્યાબંધ મોબાઈલ, લેપટોપ સિમકાર્ડની સાથે બ્રોડબેન્ડ ઈન્ટરનેટની સારી કનેક્ટિવિટી પણ જરૂરી હતી. જેથી તેઓ શહેરી વિસ્તારો જ પસંદ કરતા હતા. પાછલા એક મહિનાથી ગાંધીનગરના ઉવારસદમાં મકાન ભાડે રાખનારી ટોળકીએ બે નંબરના કરોડો રૂપિયા સગેવગે કર્યા હોવાનું મનાય છે.
આ ચારેય આરોપીના બે દિવસના રીમાન્ડ મેળવી પોલીસે નાણાં કઈ રીતે સગેવગે થયા અને આ કામમાં અન્ય કયા લોકોએ મદદ કરી તે અંગે જાણવા કવાયત હાથ ધરી છે. ગાંધીનગરમાં ભાડાનું મકાન રાખીને ભાડે લીધેલા બેંક ખાતામાં ઓનલાઈન કેસિનો- વિવિધ મેચ પર સટ્ટો રમાડતી ગેંગ અંગે ગાંધીનગર એલસીબી-2ની ટીમને બાતમી મળી હતી. પીઆઈ એચપી પરમારના માર્ગદર્શનમાં ગાંધીનગરના ઉવારસદ ખાતે પ્રમુખ એરિસ્ટામાં સાતમા માળે આવેલા ડી-701 નંબરના ફ્લેટમાં પોલીસે દરોડો પાડ્યો હતો.
સૂત્રધાર વિરાટ રમેશભાઈ ઠક્કરે (મૂળ રહે. મેઘપર બોરીચી, અંજાર, કચ્છ) આ ફ્લેટ ભાડે રાખ્યો હતો. પોલીસ અંદર પહોંચી ત્યારે પલંગ અને ટેબલ પર લેપટોપ મોબાઈલ પથરાયેલા હતા. તેણે મળતિયાઓને બોલાવીને કેસિનો રમાડવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત ક્રિકેટ સહિત અન્ય રમતો પર પણ ઓનલાઈન સટ્ટો લેવાનું શરૂ કર્યું હતું. હારજીતના નાણાંનો વ્યવહાર ગ્રાહકોના ખાતામાં થતો હતો અને વિરાટે આ કામ માટે વિવિધ બેંક ખાતા ભાડે રાખેલા હતા.
ઓનલાઈન લિન્ક અને પાસવર્ડથી જુગાર રમાડવા તથા ગ્રાહકો સાથે હિસાબ-કિતાબ તથા ઓનલાઈન વ્યવહારો માટે વિરાટે માણસો રાખેલા હતા. પોલીસે સૂત્રધાર વિરાટ ઉપરાંત યશ રમેશભાઈ ઠક્કર (મૂળ રહે. હાઉસિંગ બોર્ડ, મોરબી), વિનોદ બાબુભાઈ ઠાકોર (મૂળ રહે. સાંથલપુર, પાટણ) અને દેવેન્દ્રસિંહ હરીસિંહ ડાભી (મૂળ રહે. ભારતનગર, ગાંધીધામ કચ્છ)ની ધરપકડ કરી હતી. અમરેલીનો લક્ષ્મણ ઉર્ફે લકી ચંદુભાઈ ગોસાઈ આરોપીઓને જુગાર રમાડવા ઓનલાઈન એપ્લિકેશન પૂરી પાડતો હોવાનું જાણવા મળ્યું છે.
લકી સામે ગુનો દાખલ કરી તેને શોધવાની કવાયત હાથ ધરવાની સાથે પોલીસે ઝડપાયેલા ચારેય આરોપીને ગાંધીનગર કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીના બે દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓ પાસેથી મળી આવેલા 21 મોબાઈલ, પાંચ લેપટોપ, 4 બેંક પાસબુક, 1 ચેકબુક અને 38 એટીએમ કાર્ડની પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસનું માનવું છે કે, આરોપીઓએ સેંકડો બેંક ખાતા ભાડેથી રાખેલા હતા.
બેંક ખાતા ધારકની જાણ બહાર જ તેના નામના બેંક ખાતા ખોલાવ્યાં બાદ એટીએમ-ચેકબુક સહિતની તમામ વસ્તુઓ આ ટોળકી પોતાની પાસે રાખતી હતી. અગાઉ આરોપીઓએ આ રીતે સંખ્યાબંધ બેંક ખાતા ઊભાં કરી કરોડો રૂપિયા સગેવગે કર્યા હોવાનું મનાય છે. આરોપીઓએ ગાંધીનગર ઉપરાંત રાજ્યના અનેક શહેરોમાં મકાનો ભાડે રાખ્યા હોવાની પણ કહેવાઈ રહ્યું છે.
થોડા મહિના માટે તેઓ મકાન ભાડે રાખતા હતા અને ઉચ્ચ અધિકારીઓ સુધી વાત પહોંચે તે પહેલાં નવા શહેરમાં પહોંચી જતા હતા. આ કૌભાંડના તાર રાજ્યના અનેક શહેરો અને વિદેશો સુધી પહોંચવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. તેથી રીમાન્ડ દરમિયાન કરોડો રૂપિયાના કેસિનો-સટ્ટા કાંડમાં મહત્ત્વના ખુલાસા થઈ શકે છે.