ખોડલધામ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ગણેશ ગોંડલને બોલાવતાં ભારે વિવાદ સર્જાયો છે. જયોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલની હાજરીનો વિરોધ રાજુ સખિયા દ્વારા કરવામાં આવ્યો હતો. પાટીદાર નેતા રાજુ સખિયા અને ખોડલધામનાં રાજુ સોજીત્રાની એક ઓડિયો-ક્લિપ વાઇરલ થઈ હતી, જેમાં રાજુ સખિયા દ્વારા ખોડલધામના કાર્યક્રમમાં ગણેશ ગોંડલને આમંત્રણ કોને આપ્યું અને શું કામ બોલાવ્યો એવા સવાલ કરાયા હતા. સંસ્થાના નામે આવા લોકોને મોટા કરવાનું બંધ કરો. હવે ગણેશ ગોંડલને બોલાવ્યા તો જાહેર કાર્યક્રમમાં બબાલ થશે આવું બોલતાં રાજુ સખિયાનો ઓડિયો વાઈરલ થતાં હવે રાજુ સખિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ગોંડલ ખાતે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો
સ્નેહ મિલનના કાર્યક્રમમાં ગણેશ જાડેજાની એન્ટ્રીને લઈને આશરે એક મહિના પહેલાં જે ઓડિયો-ક્લિપ વાઈરલ થઈ હતી, જેને લઈને મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. એ સ્નેહમિલનનો કાર્યક્રમ ગોંડલ જેલચોક પટેલ વાડી ખાતે દિવાળીના બીજા દિવસે તા. 01-11-2024ને ધોકાના દિવસે ખોડલધામ સમિતિ ગોંડલ દ્વારા યોજાયો હતો. આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં ગણેશ જાડેજાએ હાજરી આપતાં રાજુ સખિયાએ ખોડલધામ સમિતિના રાજુ સોજીત્રાને ટેલિફોનિક વાતચીત કરી હતી, જેનો ઓડિયો વાઈરલ થઈ રહ્યો છે.
ગોંડલ સિટી બી-ડિવિઝનમાં ઘનશ્યામ સોરઠિયાએ ફરિયાદ નોંધાવી
જેતપુર રોડ પર દાસી જીવણ પાર્ટી પ્લોટ પાસે નંદનવન સોસાયટી પાસે રહેતા વેપારી ઘનશ્યામ વિનોદભાઈ સોરઠિયાએ ગોંડલ સિટી બી-ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ગોંડલના રાજુ લાલજીભાઈ સખિયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ઘનશ્યામ વિનોદભાઈ સોરઠિયા પોતે લેઉવા પટેલ સમાજના છે અને ક્ષત્રિય સમાજ તથા અન્ય સમાજના લોકો સાથે પારિવારિક તથા ભાઈચારાથી રહે છે. ત્યારે થોડા સમય પહેલાં ખોડલધામ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મહેમાન તરીકે જયોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશ ગોંડલ)ને આમંત્રણ આપતા તે કાર્યક્રમમાં આવ્યા હતા અને અન્ય મહેમાનો પણ આવ્યા હતા.
‘લેઉવા પટેલ સમાજના કાર્યક્રમમાં ગણેશ ગોંડલને કેમ બોલાવ્યા’ આ કાર્યક્રમ બાદ સોશિયલ મીડિયામાં એક ઓડિયો-ક્લિપ વાઈરલ થય હતી, જેમાં ખોડલધામ સમિતિના આગેવાન રાજુ સોજીત્રા તથા રાજુ સખિયાની વાતચીત થઈ હતી. જેમાં રાજુ સખિયાએ રાજુભાઈ સોજીત્રાને કહ્યું કે ખોડલધામ ખાતેના કાર્યક્રમમાં ગણેશ ગોંડલને કેમ બોલાવ્યા, લેઉવા પટેલ સમાજના કાર્યક્રમમાં બીન પટેલને કેમ બોલાવો છો. હવે કોઈ કાર્યક્રમમાં ગણેશ ગોંડલ કે ક્ષત્રિય સમાજના કે અન્ય કોઈ સમાજના લોકોને બોલાવશો તો પોતે અથવા અમારી ટીમ સાથે આવીને કોઈ કાર્યક્રમ નહીં થવા દઇએ. આવું ભડકાવ, આપત્તિજનક, તથા લેઉવા પટેલ સમાજ તથા ક્ષત્રિય સમાજ બન્ને સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા ઉશ્કેરણીજનક વિધાનો કરી ધમકી આપી હતી. જેનાથી કોઈ ટોળા કે સમુહને હિંસા કરવા ઉત્તેજન મળે તેવા વાક્યો ઓડિયો-ક્લિપમાં ખોડલધામ સમિતિના આગેવાન રાજુ સૌજીત્રાને કહ્યા હતા.
રાજુ સખિયાએ ઉશ્કેરણીજનક શબ્દો કહેતા ફરિયાદ
રાજુ સખિયા આ ઓડિયો-ક્લિપથી લેઉવા પટેલ સમાજ તથા ક્ષત્રિય સમાજ વચ્ચે ઉશ્કેરણીજનક તથા ભડકાઉ ભાષણો કરી સમાજમાં વૈમનસ્ય ફેલાવેલું છે, સાથે આ કામના આરોપી રાજુ સખિયાએ આવા પ્રકારનાં ભડકાઉ વિધાનો ઉચ્ચારેલા, એને પ્રતિબંધ કરવામાં ન આવે તો ભવિષ્યમાં બંને સમાજના ભાઈચારાનો અંત આવે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એમ હોય અને હાલના આરોપીનું આવું કૃત્ય અટકાવવું ખૂબ જ જરૂરી હોય અને કાયદાનું ભાન કરાવું ખૂબ જ જરૂરી હોય, જેથી કરેલા ગુનાહિત કૃત્ય બદલ હાલના આરોપી વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ – 192, 196 (1)(એ)353 હેઠળ પોલીસ ફરિયાદ ઘનશ્યામ સોરઠિયા દ્વારા કરવામાં આવી છે. લેઉવા પટેલ સમાજ તથા ક્ષત્રિય સમાજની લાગણી દુભાય એ રીતે વાતચીત કરવા બદલ તેમજ અભદ્ર ટિપ્પણી કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી.