Abhishek Barad, Gandhinagar: રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જન જાતિના યુવક-યુવતીઓ માટે ૧૦ દિવસનો વિનામૂલ્યે ‘ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્સ’ઓકટોબર-૨૦૨૨માં માઉન્ટ આબુ ખાતે યોજાશે.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના અનુસૂચિત જન જાતિના ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ વધુ સાહસિક બને અને કુદરતી વાતાવરણમાં તેઓની શક્તિઓ ખીલે તેવા આશયથી રાજય સરકારના ખર્ચે ૧૦ દિવસના ‘ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્સ’નું આગામી ઓકટોબર-૨૦૨૨માં આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ કોર્સમાં ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. જે માટે અરજીની છેલ્લી તા. ૨૦મી સપ્ટેમ્બર- ૨૦૨૨ છે.
વધુમાં માત્ર અનુસૂચિત જન જાતિના યુવક-યુવતીઓ કે જેઓ તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ જરૂરી વિગતો અને પુરાવા સાથે પોતાની અરજી જિલ્લા યુવા વિકાસ અધિકારી, રમતગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવાસદન-૨, એસ-૨૧, બીજો માળ, જોરાવર પેલેસ કંપાઉન્ડ, પાલનપુર, જિ.બનાસકાંઠા- ૩૮૫૦૦૧ને તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધીમાં મોકલી શકાશે.
આ પણ વાંચો:
જૂનાગઢમાં 7 દિવસ યોજાશે મફત એડવેન્ચર કોર્સ; 8થી 13 વર્ષના બાળકો આ તારીખ સુધી કરી શકશે અરજી
આ કોર્સમાં ભાગ લેવા ઈચ્છૂક અરજદારોએ પુરૂ નામ, સરનામું, આધાર કાર્ડ/ ચુંટણી કાર્ડ/ શૈક્ષણિક સંસ્થાનું ફોટા સાથેનું ઓળખકાર્ડ તથા રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ/ લાઇટબીલ/ ગેસબીલ/ ટેલીફોન બીલની પ્રમાણીત નકલ તેમજ જન્મ તારીખના પુરાવા તરીકે શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ, શૈક્ષણિક લાયકાત-વ્યવસાય અંગેની માહિતી મોકલવાની રહેશે.
અરજદારે પર્વતારોહણ, એન.એ.સી., એન.એસ.એસ કે સ્કાઉટ ગાઇડ, હોમ ગાર્ડઝ જેવી પ્રવૃત્તિઓની શિબિરમાં તથા રમતગમત પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય તો તેની વિગત પણ આપવાની રહેશે. આ સાથે વાલીનો સંમતીપત્ર અને શારિરીક તંદુરસ્તી ધરાવતા હોવાનું ડોકટરનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે.
તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તેમજ અનુસૂચિત જન જાતિ અંગેનું પ્રમાણપત્ર સાથે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે, અધુરી વિગતોવાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહી. પસંદગી સમિતિ યોગ્યતા ધરાવતા ૧૦૦ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તેમ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર