૨૦૨૪માં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી દાયકાની ટોચે
મુંબઈ : ૨૦૨૪નું વર્ષ સમાપ્ત થવાની નજીકમાં છે ત્યારે ભારતીય શેરબજાર કેશમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ) સતત ચોથા વર્ષમાં નેટ વેચવાલ જોવા મળી રહ્યા છે. બીજી બાજુ ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની વર્તમાન વર્ષમાં સતત ચોથા વર્ષે નેટ લેવાલી જોવા મળે છે. વર્તમાન વર્ષનો એફપીઆઈનો વેચવાલીનો આંક દાયકાની ઊંચી સપાટીએ જોવા મળી રહ્યો છે.
શેરબજારની દ્રષ્ટિએ ૨૦૨૪ના હવે છ સત્ર બાકી છે, ત્યારે સમાપ્ત થઈ રહેલા વર્ષમાં ડિસેમ્બરની ૨૦ સુધીમાં ભારતીય ઈક્વિટીસમાં એફપીઆઈની રૂપિયા ૨૯૧૩૫૫.૯૯ કરોડની નેટ વેચવાલી રહી છે. વર્તમાન વર્ષની કુલ નેટ વેચવાલીમાંથી રૂપિયા ૧.૧૪ લાખ કરોડની વેચવાલી એકલા ઓકટોબરમાં જ જોવા મળી હતી.
૨૦૧૫થી છેલ્લા એક દાયકામાં ભારતીય ઈક્વિટીસમાં ૨૦૧૯ તથા ૨૦૨૦ના વર્ષને બાદ કરતા એફપીઆઈ દરેક વર્ષમાં નેટ વેચવાલ રહ્યા હોવાનું પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે.
૨.૯૧લાખ કરોડ સાથે ૨૦૨૪ની નેટ વેચવાલીનો આંક દાયકાની ઊંચી સપાટીએ છે. એકતરફ વિદેશી ફન્ડોની નેટ વેચવાલી રહી છે જ્યારે બીજી બાજુ ડીઆઈઆઈની વર્તમાન વર્ષમાં રૂપિયા પાંચ લાખ કરોડથી વધુની નેટ લેવાલી જોવા મળે છે.
૨૦૨૦ને બાદ કરતા છેલ્લા એક દાયકામાં ડીઆઈઆઈ ઈક્વિટી કેશમાં નેટ લેવાલ રહ્યા છે. વર્તમાન વર્ષની રૂપિયા પાંચ લાખ કરોડની ઘરેલુ રોકાણકારોની ખરીદી દાયકાની ઊંચી સપાટીએ છે.
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારતીય ઈક્વિટીસમાં નેટ ખરીદી કર્યા બાદ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ) ડિસેમ્બરમાં હવે નેટ વેચવાલ બની રહ્યા છે. વર્તમાન વર્ષમાં હવે ભારતીય શેરબજારમાં કામકાજના છ સત્ર બાકી છે ત્યારે વિદેશી ફન્ડોની વર્ષના અંતિમ ભાગમાં કેવી ચાલ રહે છે, તેના પર વિશ્લેષકોની નજર રહેલી છે.
અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે ૨૦૨૫માં વ્યાજ દરમાં ઘટાડો ધીમો પડશે તેવા આપેલા સંકેત બાદ શેરબજારોમાં ખેલાડીઓનું માનસ ખરડાયું હતું.