આણંદ: એક તરફ ભારત ટેક્નોલોજી અને એન્જિનિયરિંગની દૃષ્ટિએ બુલેટ ટ્રેનથી લઈને નવી નવી દિશાઓમાં હરણફાળ ભરી રહ્યું છે. કોઈપણ દેશને આગળ વધવા માટે એન્જિનિયરિંગનો ખૂબ જ મોટો ફાળો રહેલો હોય છે. ત્યારે ભારતના એન્જિનિયર જગતના પિતા ગણાતા એમ. વિશ્વેશ્વરૈયાના જન્મદિવસના માનમાં દર વર્ષે 15 સપ્ટેમ્બરના દિવસે એન્જિનિયર ડે ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસે આજે આપણે આવા જ એક એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થી વિશે વાત કરીશું કે જેણે એવી કોંક્રિટ બનાવી છે કે, જેની મદદથી બનાવવામાં આવેલા બાંધકામ જાતે જ હવામાંથી પોલ્યુટેડ કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડને અમુક પ્રકારના કેમિકલ રિએક્શન કરીને સોલિડ ફોર્મમાં બનાવીને ઓછું કરી દેશે.
પીએચડીના વિદ્યાર્થીએ બનાવ્યું અનોખું ક્રોંક્રિટ
આપણે સૌ જાણીએ છીએ કે, દિલ્હી જેવા શહેરમાં ખુલ્લી હવામાં શ્વાસ લેવામાં પણ લોકોને ખૂબ જ તકલીફ થઈ રહી છે. ધીમે ધીમે આ સમસ્યા અનેક શહેરોમાં પણ જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં પીએચડીના વિદ્યાર્થી જયદીપ જગદીશભાઈ ચાવડાએ એક અનોખું કોંક્રિટ બનાવી દીધું છે. જે આગળ જતા ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
નવીન પ્રકારનું કોંક્રિટ વિકસાવવાનો કર્યો પ્રયાસ
માહિતી અનુસાર, જયદીપ ચાવડા બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે પીએચડી આચાર્ય ડો. ઈન્દ્રજીત પટેલના હેઠળ આ કામ કરી રહ્યા છે. જે અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, ‘આપણે જાણીએ છીએ કે, ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન હાઉસ ગેસ ઈફેક્ટ આજના સંજોગોમાં વૈશ્વિક ધોરણે મુખ્ય ચિંતાના વિષય છે. અમે આ સમસ્યાને ધ્યાનમાં લઇ નવીન પ્રકારનું કોંક્રિટ વિકસાવવાનો પ્રયાસ કર્યો છે કે, જે હવામાં રહેલા મુખ્ય પ્રદૂષિત વાયુઓ કાર્બન ડાયોક્સાઈડ અને નાઇટ્રોજનના ઓક્સાઈડ્સને હવામાંથી ઓછા કરવાની ક્ષમતા ધરાવે છે. આ કોંક્રિટને અમે ‘ડી-પોલ્યુક્રિટ’ નામ આપેલ છે.’
સૂર્યપ્રકાશની હાજરીમાં કરે છે કાર્ય
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘આ પ્રકારનું નવું કોંક્રિટ વાયુ પ્રદૂષક કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ને હવામાંથી ઘટાડી શકે છે. આ કોંક્રિટ સૂર્યપ્રકાશની હાજરીમાં મુખ્ય ફોટોકેટાલિસિસની પ્રક્રિયા દ્વારા આ કાર્ય કરે છે. આ ડી-પોલ્યુક્રિટ બહુવિધ પૂરક સિમેન્ટિટિયસ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ છે. જેમ કે, ટાઇટેનિયમ ડાયોક્સાઇડ પાવડર, ઝિઓલાઇટ પાવડર અને અન્ય. આ કોંક્રિટનો ઉપયોગ એવા નવા બાંધકામો કે, જે સીધા સૂર્યપ્રકાશ અને હવા – વાતાવરણના સંપર્કમાં આવતા હોય એવા બાંધકામો બનાવવામાં મોટાપાયે થઈ શકે છે. જેવા કે, કોંક્રિટના રોડ, રેટાઈનીંગ વોલ્સ, મોટા વિજ થાંભલાઓ વગેરે. હવે પછી મોટાપાયે નવા બાંધકામો બનાવવામાં આ ડી-પોલ્યુક્રિટનો ઉપયોગ હિતાવહ છે.’
ત્રણ પ્રકારના સેમી લિક્વિડ સ્પ્રે બનાવાયા
વધુમાં માહિતી આપતા જયદીપ ચાવડા જણાવે છે કે, વાયુ પ્રદૂષક ઘટાડવાના સિદ્ધાંતને ડી-પોલ્યુક્રિટના ઉપયોગથી માત્ર નવા બાંધકામો માટે જ નહિ, પરંતુ જે બાંધકામો સામાન્ય પરંપરાગત રીતે બનાવેલા કોંક્રિટથી બની ગયેલ છે. એમાં પણ ઉપયોગ કરવો અનિવાર્ય છે. તેના માટે સામાન્ય પરંપરાગત કોંક્રિટના બનેલા બાંધકામોની બાહ્ય સપાટી પર છંટકાવ કરી શકાય એવા ત્રણ પ્રકારના સેમી લિક્વિડ (અર્ધ-પ્રવાહી) સ્પ્રે પણ બનાવવામાં આવેલા છે. જેમાં અનુક્રમે, પ્રથમ સ્પ્રે કાર્બન ડાયોક્સાઇડ પ્રદૂષકને, બીજો સ્પ્રે નાઇટ્રોજનના ઓક્સાઈડ્સ પ્રદૂષકોને અને ત્રીજો સ્પ્રે એકસાથે બન્ને કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઈડ્સ પ્રદૂષકોને ઓછા કરવાની ક્ષમતા ધરાવે છે.
આમ, જરૂરિયાત પ્રમાણે યોગ્ય પ્રકારના સ્પ્રેનો ઉપયોગ કરી કોઈ પણ હયાત સામાન્ય પરંપરાગત કોંક્રિટના બનેલા બાંધકામો કે જેની સપાટી બાહ્ય વાયુ પ્રદૂષકોના સંપર્કમાં છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં છે. તેવી સપાટીને ડી-પોલ્યુક્રિટ કોંક્રિટની સપાટીમાં સરળાથી ફેરવી શકાય છે. આ નવીનતમ ‘ડી-પોલ્યુક્રિટ’ કોંક્રિટ અને અગાઉ દર્શાવેલ ત્રણેય સ્પ્રે એમ ચારેય ઇનોવેશન ની પેટન્ટ પણ નોંધાયેલી છે. આ પ્રક્રિયામાં પોલ્યુટેડ હવા સોલિડ ફોર્મમાં કન્વર્ટ થઈને જમા થતી હોય છે. જેને દર થોડા સમયે સાફ કરવું ખૂબ જ જરૂરી છે. આ પાર્ટિકલ્સને કોંક્રીટ ઉપરથી દર થોડા સમયે સાફ કરવું જોઈએ. આ ઉપરાંત પાણી સાથે પણ આ પાર્ટિકલ્સ સહેલાઈથી વહી જતા હોય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર