દ્વારકાના ભાણવડમાં આવેલા ત્રિવેણી સંગમ ઘાટનું રૂપિયા 25 કરોડના ખર્ચે નવ નિર્માણ કરવામાં આવશે. ભાણવડ ખંભાળિયા રોડ પર આવેલા ત્રિવેણી સંગમ અને ત્યાં પાંડવો વખતનું શિવલિંગ આવેલું છે અને ત્યાં અર્ધ જાગૃત સ્મશાન પણ છે, તેના કારણે લોકો પિતૃ કાર્ય કરવા માટે આવે છે.
કેબિનેટ મંત્રી મુળૂ બેરા દ્વારા નવ નિર્માણ માટે ખાત મુર્હૂત કરવામાં આવ્યું
આ ત્રણ નદીઓના સંગમ હોવાથી પ્રવાસીઓમાં ખુબ જ પ્રચલિત ઘાટ છે, ત્યારે આ સ્થળને વિકસિત કરવા માટે સરકાર દ્વારા રૂપિયા 25 કરોડ ફાળવવામાં આવ્યા છે અને આજે કેબિનેટ મંત્રી મુળૂ બેરા દ્વારા નવ નિર્માણ માટે ખાત મુર્હૂત કરવામાં આવ્યું છે. આ ઘાટ પર આરતી પૂજા માટે નવો ઘાટ, ભોજનાલય માટે મોટો હોલ, સત્સંગ કાર્યક્રમ માટે મોટો હોલ, પીવાના પાણી અને ટોઈલેટ બ્લોક, ગાર્ડન લેન્ટસ્કેપ, સરોવરની મધ્યમાં ભગવાન શિવની મૂર્તિ લગાવવામાં આવશે. જેથી દૂરથી આવતા લોકોને કોઈ પણ પ્રકારની અવગડતા ના પડે અને તમામ સુવિધાઓનો લાભ મળે.
ગઈકાલે જલારામ બાપાના દર્શન કરવા પહોંચ્યા હતા મંત્રી મુળુ બેરા
તમને જણાવી દઈએ કે ગઈકાલે કેબિનેટ મંત્રી મુળુ બેરા જામ ખંભાળીયામાં જલારામ બાપાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ગઈકાલે સંત સીરોમણી જલારામ બાપાની 225મી જન્મ જયંતીની મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જામ ખંભાળીયાના લોહાણા સમાજ દ્વારા કેબિનેટ મંત્રી મુળુ બેરાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને કેબિનેટ મંત્રી મુળુ બેરાએ પુજ્ય જલારામ બાપાના દર્શન અને પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી.
લોહાણા સમાજ દ્વારા જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ
ઉલ્લેખનીય છે કે જામ ખંભાળીયામાં જલારામબાપાની 225મી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન જલારામ મંદિરમાં સવારથી દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી અને દિવસ દરમ્યાન મંદિર ખાતે મહા આરતી અને ધ્વજા રોહણ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. જલારામ બાપાની 225મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી લોહાણા સમાજ દ્વારા કરવામાં આવી હતી.