દ્વારકામાં સતત 5 દિવસથી ડિમોલિશનની કામગીરી થઈ રહી છે. બેટ દ્વારકા મેગા ડિમોલેશન 2.0 નો આજે પાંચમો દિવસ છે. બેટ દ્વારકાના બાલાપર ગામના ગેરકાયદેસર દબાણ દૂર કર્યા બાદ હવે પાર વિસ્તારમાં ગર્જ્યું દાદાનું બુલડોઝર.
દ્વારકામાં 4 દિવસની અંદર ડિમોલેશન કામગીરી દરમ્યાન 272 ગેરકાયદે મકાનો અને 7 ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યા.7 વાણિજ્ય દબાણો મળી કુલ 286 દબાણો દુર કરાયા. ચાર દિવસમાં દાદાના બુલડોઝરે 86391 ચો.મી સરકારી જમીન ખુલ્લી કરી. ખુલ્લી કરવામાં આવેલ જમીનની અંદાજિત કિંમત 471,516,000 (સુડતાળીસ કરોડ પંદર લાખ સોળ હજાર રૂપિયા) થાય છે. આજે પાંચમાં દિવસે પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર રહેણાંક મકાનો પર તંત્રની તવાઈ.
50 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી
બેટ દ્વારકા – ઓખામાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી થઈ રહી છે. રાજકોટ રેન્જ IG અશોક યાદવએ આ મામલે વધુ માહિતી આપતા જણાવ્યું કે મેગા ડિમોલેશનમાં 50 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી. રહેણાંક વિસ્તાર બાદ ટાપુઓ પર ડિમોલેશન ડ્રાઈવ હાથ ધરાઈ હતી. ટાપુઓ પરથી તમામ દબાણો હટાવવામાં આવ્યા.
પીરોટન ટાપુ પરથી ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરાયા. જેટી, લેન્ડિંગ પોઇન્ટની સુરક્ષા માટે યોગ્ય પગલાં લઇશું. જરુર જણાશે ત્યાં કાર્યવાહી કરાશે. દ્વારકા – જામનગરમાં કુલ 35 ટાપુ આવેલા છે. હાલમાં દ્વારકાના 23 ટાપુઓ પરથી દબાણો દૂર કરાયા. 9 દબાણો જામનગર પોલીસે દૂર કર્યા છે. ગુજરાતના દ્વારકાનો આ વિસ્તાર બોર્ડર પાસે આવેલ હોવાથી વધુ સંવેદનશીલ છે. આ વિસ્તારથી પાકિસ્તાન નજીક હોવાથી ટાપુઓની સુરક્ષા વધુ મહત્વની બને છે.
પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા અને ઓખા ખાતે તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ. આજે ડિમોલેશન મેરેથોન ડ્રાઈવનો પાંચમો દિવસ છે ત્યારે બાલાપર ગામ પછીના પાર વિસ્તારમાં સહિત ટાપુ પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. રહેણાંક મકાનો પર બુલડોઝર ફેરવવાને લઈને કેટલાક તત્ત્વો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો. જો કે આ મામલો દેશની સુરક્ષા સાથે સંકળાયેલ હોવાથી તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
ઘૂસણખોરીની આશંકા
કેમકે દ્વારકાના દરિયાઈ માર્ગથી દુશ્મન દેશના લોકોની ઘૂસણખોરી તેમજ આતંકવાદી ગતિવિધિ વધવાની સંભાવનાને નકારી શકાય નહીં. દરિયાઈ માર્ગના કારણે આ વિસ્તાર અનૈતિક પ્રવૃતિઓ માટે વધુ સંવેદનશીલ માનવામાં આવે છે. અને એટલે જ આ વિસ્તારમાં બહુ જલદી લોકો નકલી દસ્તાવેજ બનાવી રહેણાંક મકાનમાં સરળતાથી વસવાટ કરી લે છે. આથી જ તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે ડિમોલેશન કાર્યવાહીમાં કડક વલણ અપનાવવામાં આવ્યું હોવાનું રાજકોટ રેન્જ IG અશોક યાદવે નિવેદન આપ્યું.