સુરત શહેરના ઉધના મગદલ્લા રોડ પર આવેલા રૂંઢ ગામમાં એક ખાલી જગ્યામાં કેબિન મુકવાના મુદ્દાને લઇને સિંધી અને સિંગ જૂથ વચ્ચે ગંભીર મારામારી થઈ હતી. બંને પક્ષોએ લાકડાના દંડા અને લોખંડની પાઈપ વડે એકબીજા પર હુમલો કર્યો હતો. ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છ
.
બંને પક્ષના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું આ ધીંગાણામાં બંને પક્ષના અનેક લોકોને ઇજાઓ પહોંચી હતી. મારામારી એટલી ગંભીર હતી કે, જેસીબી ડ્રાઈવરને પણ ધમકાવવામાં આવ્યો અને કેબિન હટાવતી વખતે તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મામલો શાંત કરવા પ્રયાસ કર્યો. લાઈવ વીડિયો સામે આવતા ઉમરા પોલીસ મથકમાં રાયોટિંગનો ગુનો દાખલ કરાયો છે. ઉમરા પોલીસ દ્વારા બંને પક્ષોની ફરિયાદ લેવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળે લઈ જઈ બંને પક્ષના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

લોખંડની પાઈપ અને લાકડાના દંડા વડે મારામારી બમરોલી રોડ પર આવેલા મિલન પોઈન્ટ નજીક જય અંબે સોસાયટીમાં રહેતા અભય અમિત સિંગે ઉમરા પોલીસ મથકમાં અબ્દુલ સિંધી, આદમ સિંધી, મોહમદ સફી સિંધી, અબ્દુલા સિંધી, રસીદ સિંધી, અબ્દુલ મજીદ સિંધી, અબ્દુલ રજાક સિંધી અને જબ્બાર સિંધી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા અનુસાર, તા. 29 જાન્યુઆરી 2025ના રોજ બપોરે 12 વાગ્યે તેઓ તેમના મિત્રો સાથે રૂંઢ ગામે આવેલા જોલી પાર્ટી પ્લોટની સામે એક ફાસ્ટ ફૂડ કેબીન મૂકવા ગયેલા, જે જમીન તેજસભાઈ પટેલની માલિકીની હોવાનું તેઓએ જણાવ્યું હતું. સવારના 7 વાગ્યે કેબીન મૂકવામાં આવી હતી, પરંતુ બપોરે 12 વાગ્યે સિક્યુરિટી ગાર્ડ્સ તેને હટાવવા લાગ્યા.
જ્યારે અભયસિંહે કહ્યું કે, તેઓએ જમીન માલિકની પરમિશન મેળવી છે, ત્યારે સિંધી જૂથના સિક્યુરિટી ગાર્ડ્સે હુમલો કર્યો. લોખંડની પાઈપ અને લાકડાના દંડા વડે મારામારી કરવામાં આવી, જેના કારણે અભયસિંહ અને તેના મિત્રો ઇજાગ્રસ્ત થયા. પોલીસને જાણ કર્યા બાદ ઉમરા પોલીસે આઠ આરોપીઓ સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે.

બીજા પક્ષે પણ ફરિયાદ નોંધાવી બીજી તરફ, સિક્યુરિટી ગાર્ડ અબ્દુલ હમીદ સિંધીએ પણ તેજસ પટેલ, આર્યન સિંહ, અમન સિંહ, અભય સિંહ, દિપક વર્મા અને જીતેન્દ્ર ઉર્ફે ગોલુ વિશ્વકર્મા સામે રાયોટિંગની ફરિયાદ નોંધાવી. તેમના જણાવ્યા અનુસાર, જે જમીન પર કેબિન મુકવામાં આવી રહી હતી, તે ધરમભાઈની માલિકીની છે અને તેજસ પટેલ સાથે માલિકી બાબતે તકરાર ચાલી રહી છે. આ વિવાદ સિવિલ કોર્ટમાં પણ ચાલી રહ્યો છે. તેમ છતાં, તેજસ પટેલ અને તેના સાથીઓએ ગેરકાયદેસર કબજો જમાવવા માટે પતરાની કેબીન મૂકી.
જ્યારે સિક્યુરિટી ગાર્ડ્સે કેબિન હટાવવાની કોશિશ કરી, ત્યારે તેજસ પટેલ અને તેના સાથીઓએ લોખંડના સળિયા અને પથ્થરો વડે સિક્યુરિટી ગાર્ડ્સ પર હુમલો કર્યો, જેમાં 4-5 ગાર્ડોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઉમરા પોલીસે આ ફરિયાદના આધારે તેજસ પટેલ સહિત 6 લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

લાઈવ વીડિઓમાં શું જોવા મળ્યું? આ ધીંગાણાનો લાઈવ વીડિયો પણ વાઇરલ થયો છે, જેમાં લોકો મોટા લાકડાના દંડા અને લોખંડની પાઈપ વડે એકબીજાને મારતા જોઈ શકાય છે. વીડિયોમાં એક જૂથ બીજા જૂથ પર હુમલો કરવા લાકડાના દંડા ઉઠાવી રહ્યો છે. કેટલાક વ્યક્તિઓ પથ્થરમારો પણ કરી રહ્યા છે. પ્રત્યક્ષદર્શી કહે છે કે, જેસીબી ડ્રાઈવરને પણ ધમકી આપવામાં આવી હતી અને તેને કામ રોકવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ ભારે મારામારી થઈ હતી, જે વીડિયો દ્વારા સ્પષ્ટ થાય છે.
પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ પોલીસે બંને પક્ષોની ફરિયાદો લઈને કુલ 14 લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. હાલ, મામલાની તપાસ ચાલી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે.