- ધોળકા નગરના કલિકુંડ સર્કલ ખાતે પહોંચી પરત રણછોડરાયજીના મંદિરે ફરી હતી.
- છાસ, સરબત, સોડા, નાસ્તો, ઠંડુ પાણી સહિતના સેવા કૅમ્પ ગોઠવ્યા હતા
- ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ સવારે 9 કલાકે પ્રસ્થાન કરાવ્યું હતું
ધોળકામાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન શ્રી કૃષ્ણની 73મી પરંપરાગત રથયાત્રા નીકળી હતી. શ્રી કૃષ્ણ ભગવાન મંદિરેથી નગરચર્યાએ નીકળ્યા હતા. તાલુકાના કેલીયાવાસણા ગામના શ્રી રણછોડરાયના મંદિરેથી પણ ભગવાન જગન્નાથજીની ત્રીજી રથયાત્રા નીકળી હતી. બંને રથયાત્રામાં હજારો લોકો જોડાયા હતા.
કેલીયાવાસણા ગામથી નીકળેલી રથયાત્રા ધોળકા નગરના કલિકુંડ સર્કલ ખાતે પહોંચી પરત રણછોડરાયજીના મંદિરે ફરી હતી. રથયાત્રા સંદર્ભે રસ્તામાં સેવા કેમ્પ પણ ગોઠવ્યા હતા. જેમાં છાસ, સરબત, સોડા, નાસ્તો, ઠંડુ પાણી સહિતના સેવા કૅમ્પ ગોઠવ્યા હતા. ધોળકામાં ચાર શેરી સ્થિત શ્રી કૃષ્ણ મંદિરેથી ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા નીકળી હતી. જેમાં શણગારેલ રથ, શણગારેલા ટ્રેકટર-ટ્રોલી, ભજન મંડળીઓ અને 40થી 45 જેટલા શણગારેલા વાહનો સાથે નીકળી હતી. રથયાત્રાને પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ સવારે 9 કલાકે પ્રસ્થાન કરાવ્યું હતું. બંને રથયાત્રા સંદર્ભે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ધોળકાની રથયાત્રામાં મગ, ચણા, જાંબુ અને કાકડી, મગસ, ચોકલેટ સહિતની પ્રસાદીનો શ્રદ્ધાળુઓ એ લાભ લીધો હતો. તેમજ રથોનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રા શિવજી મંદિર, બળીયાદેવ મંદિર, શ્રી કૃષ્ણનગર સોસાયટી, દીવાની કોર્ટ, દેવીપુજકવાસ, રોહિતવાસ, આંબેડકર ચોક, નાના રબારી વાસ, સોનારકુઈ, ગનીપુર, ડબગરવાડ, ન્યુ. ટાવર બજાર, વેજલપુર ગોલવાડ, મહાકાળી માતાનું મંદિર, શ્રી સ્વામિનારાયણ મંદિર, સંતોકબા હોસ્પિટલ, રાણા જ્ઞાતિની વાડી પાસે થઈ ને બપોરે કલિકુંડ ખાતે વિશ્રમ કર્યું હતું.
ત્યારબાદ કલિકુંડ સર્કલ ફરી શિવાની ટવીન્સ, જીઇબીની પાછળથી ગુંદરા, ખોખર ચકલા, દાણા બજાર, લક્કી ચોકબજાર, આરકે વિડિયો, ગોલવાડ થઈ મ્યુ. દવાખાના, શ્રી ખોડીયાર ચોક, શ્રી કુબેરજી મંદિર, ખારાકુવાથી પસાર થઈ શ્રી કૃષ્ણ મંદિર પરત ફરી હતી.