ધોળકા વટામણ હાઇવે પર અવારનવાર અકસ્માત થતા હોય છે. ત્યારે હાઇવે પર બીજો એક હીટ એન્ડ રનનો બનાવ તા. 25મીને શુક્રવારે બપોરે બન્યો હતો. જે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યા ચાલકે પોતાનું વાહન પૂરપાટ ગતિએ હંકારીને એક બાઈક સવારને ટક્કર મારી હતી. એથી બાઇક સવાર હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. અકસ્માત સર્જીને ચાલક વાહન લઈને નાસી છુટયો હતો. સદર અકસ્માત બાદ લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. બાઈક સવાર યુવાનને ગંભીર ઇજા પહોંચતા સ્થાનિક લોકોએ ખાનગી વાહનમાં ધોળકાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. ધોળકા વટામણ હાઇવે પર પૂરપાટની ઝડપે ચાલતા વાહનોથી અવારનવાર અકસ્માત થતા હોય છે. ત્યારે આ હાઇવે પર પૂરઝડપે દોડતા વાહનો માટે હાઇવે પર આવતા ગામડાઓના પાટિયા પર સ્પીડ બ્રેકર્સ મૂકવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે.