- જૂના માર્કેટ યાર્ડમાં ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો
- કોઠ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરાઈ
- લોખંડની પાઇપ અને લાકડીઓ વડે હુમલો કરતા 6 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
ધોળકાના કોઠ ગામમાં જુના માર્કેટ યાર્ડમાં ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થતાં 12 આરોપીઓએ લોખંડની પાઇપ અને લાકડીઓ વડે હુમલો કરતા 6 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. આ બનાવ અંગે કોઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરાઈ છે.
ગોપાલભાઈ ચંદુભાઈ ડાભીએ 12 શખ્સોએ હુમલો કર્યો હોવાની ફરીયાદ કોઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જેમાં જણાવાયું છે કે આરોપીઓએ ગત તા. 7મીએ ક્રિકેટ રમતા થયેલ ઝઘડાનું મનદુઃખ રાખી તા. 8મી જુલાઈએ આરોપીઓએ લાકડીઓ, પાઇપ વડે હુમલો કરી કુલ 6 વ્યક્તિઓને ઘાયલ કર્યા હતા. જેમાં ગોપાલભાઈ ચંદુભાઈ ડાભી ઉપરાંત ગોવિંદભાઇ, નવઘણભાઈ, દિનેશભાઇ, કરણભાઈ અને લાલજીભાઈ નો સમાવેશ થાય છે. ગોપાલભાઈને વધારે ઈજા પહોંચી હોવાથી ધોળકાની પાર્શ્વનાથ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે બાકીના ઈજાગ્રસ્તોએ કોઠ પીએચસીમાં સારવાર લીધી હતી. બનાવ અંગે કોઠ પોલીસે જે 12 આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી છે. તેમાં રામદેવસિંહ જશવંતસિંહ રાઠોડ, કરણસિંહ ભૂરૂભા રાઠોડ, સહદેવસિંહ ભૂરૂભા રાઠોડ, બળભદ્રસિંહ મનહરસિંહ રાઠોડ, ઇંદ્રજિતસિંહ કેતુભાઈ વાઘેલા, પૃથ્વીરાજસિંહ પવનસંગ રાઠોડ, જયરાજસિંહ દિલીપસિંહ ઝાલા, રાજદીપસિંહ કિરીટસિંહ ઝાલા, ભૂરૂભા ગમાનસંગ રાઠોડ, કુલદીપસિંહ ભગવતસિંહ ડાભી, રાજપાલસિંહ રાઠોડ તેમજ હરપાલભાઈ ગઢવીનો સમાવેશ થાય છે. આ બનાવની વધુ તપાસ કોઠના પીએસઆઇ ચલાવી રહ્યા છે.