રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે 66 નપા, 1 મનપા સહિત અન્ય ચૂંટણી યોજાવાની છે. પરંતુ ચૂંટણી પંચે ધાનેરા નગરપાલિકાની ચૂંટણી જાહેર ન કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
રાજ્ય સરકારે જ્યારથી બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાત કરી છે ત્યારથી ધાનેરામાં જનઆક્રોશ જોવા મળી રહ્યો છે. આજે સ્થાનિકો દ્વારા ધાનેરા બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. બીજીતરફ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે ધાનેરા નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત ન કરતા લોકો વધારે નારાજ થઈ ગયા છે.
ધાનેરા નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત ન થઈ
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગર પાલિકા અને અન્ય ખાલી પડેલી બેઠકો પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. પરંતુ ચૂંટણી પંચ દ્વારા ધાનેરા નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી નથી. આ સમાચાર સામે આવતા ધાનેરાની જનતા ભારે રોષમાં જોવા મળી રહી છે.
બે વર્ષથી વહીવટદારનું શાસન
ધાનેરા નગરપાલિકામાં છેલ્લા બે વર્ષથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. અહીં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ નથી. આજે ચૂંટણી પંચે ચૂંટણી જાહેર ન કરતા લોકો રોષમાં જોવા મળી રહ્યાં છે. લોકોએ આરોપ લગાવ્યો કે છેલ્લા બે વર્ષથી વિવિધ કામો અટકી પડ્યા છે. વહીવટદાર કે અધિકારીઓ એસી ઓફિસમાં બેઠા રહે છે અને લોકોના કામ કરતા નથી.
સ્થાનિકોએ કહ્યું કે, ચૂંટણી જાહેર થાય તો અમે અમારા પ્રતિનિધિને ચૂંટીને મોકલી શકીએ અને અમારા કામ કરાવી શકીએ. સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે પાછલી ટર્મમાં અહીં કોંગ્રેસનું શાસન હોવાને કારણે કામો થતાં હતા. પરંતુ હવે ભાજપ હાર ભાળી જતાં ચૂંટણી જાહેર કરવામાં આવી નથી. ધાનેરાના સ્થાનિકોએ કહ્યું કે અમને આશા હતી કે રાજ્ય ચૂંટણી પંચ આજે ચૂંટણી જાહેર કરશે પરંતુ જાહેર કરવામાં આવી નથી. સ્થાનિકોએ કહ્યું કે અમારી સમસ્યા વધશે અને લોકો પરેશાન થશે.