બોટાદના ભીમનાથ ગામના રહેવાસી અને ધંધૂકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટી ધરમશી પટેલની ગામના જ યુવકે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘરઆંગણે જ હત્યા કરી નાખી. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, યુવક સતત ‘તમે નોકરી ન અપાવી મારાં 3 વર્ષ બગાડ્યાં’ એમ બોલી રહ્યો હતો. એ દરમિયાન તેણે ઉશ્કેરાઈને જઈને ધરમશી પટેલ પર તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીંકી તેમને રહેંસી નાખ્યા હતા. એ બાદ આરોપીએ પણ ઝેરી દવા પી લેતાં હાલ તે સારવાર હેઠળ છે. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પાટીદાર અગ્રણીની હત્યાના મામલે સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. વાંચો શું છે સમગ્ર મુદ્દો
ગામના જ યુવકે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહેંસી નાખ્યા
બરવાળાના ભીમનાથ ગામે રહેતા ધરમશી પટેલ (ઉં.વ.88)ની હત્યા થઈ હોવાની માહિતી સામે આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ધરમશી પટેલ ધંધૂકા આરએમએસ હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી હતા, જેમની તેમના ઘરઆંગણે જ ગામના જ શખ્સ દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. જાણવા મળતી વિગત મુજબ, હત્યા બાદ આરોપીએ પણ ઝેરી દવા પી લેતાં હાલ તે બોટાદની સબિહા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં બરવાળા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હત્યા શું કામ કરવામાં આવી, શું કોઈ જૂની આદાવત છે એ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. બોટાદ જિલ્લા ભાજપ-પ્રમુખ મયૂરભાઈ પટેલ સહિતના આગેવાનો ભીમનાથ પહોંચ્યા હતો, જ્યાં વધુ તપાસ સાથે ફરાર આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
‘ધરમશીભાઈને માથામાં વાગ્યું ને ત્યાં જ ઢળી પડ્યા’ : પ્રત્યક્ષદર્શી
ભીમનાથ ગામના ઉપસરપંચ અને હત્યાના પ્રત્યક્ષદર્શી રાઠોડ મંગળસિંહભાઈએ જણાવ્યું હતું કે હું અને ધરમશીભાઈ ડેલા બહાર ઊભા હતા. ત્યાં કલ્પેશભાઈ સવજીભાઈ મેર આવ્યો અને બોલવા લાગ્યો. તે ભીમનાથનો જ રહેવાસી છે. ધરમશીકાકાના ઘરથી ત્રણ-ચાર ઘર બાદ જ તેનું ઘર છે.
ધરમશીકાકાએ કહ્યું હતું કે ભાઈ તને શું છે, તું કેમ મારી સાથે આમ રાડો નાખે છે. તો કહેવા લાગ્યો… મારી નોકરીનું શું કર્યું, તમે એમ કહી બોલવા લાગ્યો. ત્યાર બાદ હું આવું છું એમ કહી દોડાદોડ ઘરે ગયો. ઘરેથી દાંતી અને લોખંડના પાઈપ લઈને દોડાદોડ આવ્યો. જેથી મેં તેને કહ્યું રુકી જા, બંધ થઈ જા, પાછો વળી જા. પણ તેણે તો સીધો ધરમશીભાઈના માથામાં ઘા કર્યો. જેથી ધરમશીભાઈને માથામાં વાગ્યું અને તેઓ ત્યાં જ બેભાન થઈ નીચે પડી ગયા, જેથી મેં બધાને સાદ પાડીને બોલાવ્યા. તેમનો એક નોકર છે ઉત્તરપ્રદેશનો, જે કલરકામનું કામ કરે છે, એ અને અન્ય એક બહેન દોડી આવ્યાં અને તેના હાથમાંથી તીક્ષ્ણ હથિયાર ઊંચકી લીધું. એ બાદ તે ભાગી ગયો અને અમે ધરમશીભાઈને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા.
‘તમે નોકરી ન અપાવી મારાં 3 વર્ષ બગાડ્યાં’
હત્યાના કારણ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે હત્યાનું કારણ હજુ સમજાયું નથી. તે અચાનક આવીને બોલવા લાગ્યો હતો કે તમે મને કેમ નોકરી ન અપાવી. તે આ પહેલાં અમારી ભીમનાથ મધ્યાન ભોજન શાળામાં નોકરી કરતો હતો. તે બસ ધરમશીભાઈને એટલું જ કહેતો હતો કે તમે મને નોકરી કેમ ન અપાવી, તમે મારાં ત્રણ વર્ષ કેમ બગાડ્યાં, આવું બધું બોલતો હતો.
બનાવ બાદ આરોપીએ ઝેરી દવા પીધી
હાલ સારવાર હેઠળ બોટાદ એસપી કે.એફ.બલોળિયાએ જણાવ્યું હતું કે ધરમશીભાઈ ધંધૂકા RMS હોસ્પિટલમાં ટ્રસ્ટી તરીકે સેવા આપતા હતા. બિલ્ડિંગ ક્ન્સ્ટ્રક્શનના વ્યવસાય તેમજ અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેમને ભીમનાથ ગામની જ એક વ્યક્તિ કલ્પેશ સવજીભાઈ (ઉં.વ.32)એ ધારિયું મારી દીધું હતું. એ બાદ સારવાર દરમિયાન ધરમશીભાઈનું મોત નીપજ્યું હતું. હત્યાના કારણ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ધરમશીભાઈના પરિવાર ફરિયાદ મુજબ તપાસ ચાલુ છે. આરોપી કલ્પેશ સવજીભાઈને પોલીસે ડિટેન કર્યો છે, પરંતુ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે બનાવ બાદ તેણે કોઈ ઝેરી દવા પી લીધી હોય એવું ફલિત થતાં હાલ તે સારવાર હેઠળ છે. અમે તેને વિશેષમાં પૂછપરછ કર્યા બાદ હત્યાના કારણ અંગે સ્પષ્ટ ખબર પડશે.
બોટાદના ભીમનાથમાં પાટીદાર અગ્રણીની હત્યાના ઘેરાપ્રત્યાઘાત
ધરમશી પટેલની હત્યા મુદ્દે સરદારધામ અને વિશ્વ ઉમિયાધામના પ્રમુખે નિવેદનો આપ્યા હતા. જેમાં સરદારધામના પ્રમુખ ગગજી સુતરિયાએ જણાવ્યું હતું કે, ધરમશીબાપાની હત્યાની ઘટનાને સખત રીતે વખોડું છું. આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ. જ્યારે વિશ્વઉમિયાધામના પ્રમુખે આર.પી.પટેલે જણાવ્યું હતું કે, ધરમશીભાઈની હત્યાએ સમાજ માટે ન પૂરી શકાય તેવી ખોટ છે. પોલીસે આ અંગે તાત્કાલિક પગલાં લઈ કડક કાર્યવાહી કરવી જોઈએ.