ધંધૂકા શહેર અને જાળીયા ટાંકી ખાતેથી જે ગામડાઓને પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. તે ગામોને ચાર દિવસ પાણી પુરવઠો મળશે નહીં. પાણી પુરવઠા બોર્ડ દ્વારા ટાંકીની સાફ્ સફાઇ કરવાની હોઇ પાણી પુરવઠો મળશે નહીં તેવી જાહેરાત કરી છે.
આમ તો ધંધૂકા શહેરમાં ત્રણ ચાર દિવસે એક વાર પાણી મળે છે. ત્યારે સતત ચાર દિવસ પાણી બિલકુલ નહીં મળે તે વાતથી શહેરીજનો અને ગ્રામ્યમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા સંપ, ટાંકીઓની સફાઈ તથા લાઈનના મેઈન્ટેન્સ માટે આગામી તા. 25મી નવેમ્બરથી તા. 28મી નવેમ્બર દરમિયાન પાણી પુરવઠો બંધ રહેશે. એથી ધંધૂકા શહેર અને કોટડા અને ખડોળ જૂથ યોજના અંતર્ગત 31 ગામોને ચાર દિવસ સુધી પાણી પુરવઠો મળશે નહીં.
ધંધૂકા શહેરને પાલિકા દ્વારા હાલમાં ત્રણ ચાર દિવસે એક વાર પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. પાછલા કેટલાક સમયથી પાણી વિતરણમાં પાંચ સાત દિવસે એક વારનો ગાળો પણ આવી ગયો હતો. જેમાં પાલિકાના શાસકો દ્વારા પાણી પુરવઠા બોર્ડની મોટર વારંવાર બળી જતી હોય અને બીજી મોટર નહીં હોવાથી પુરવઠો અનિયમિત થતો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ધંધૂકા પાલિકા દ્વારા ત્રણ ચાર દિવસે એક વાર પાણીનું વિવિધ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવે છે. જે હવે ફરી વિલંબિત થશે.
પાણી પુરવઠા બોર્ડ અને પાલિકા તંત્ર પાણી મુદ્દે એકબીજા પર ખો આપતું રહ્યું છે ત્યારે શહેરીજનોને પાણીની તંગી ભોગવવાનો વારો આવ્યો છે. તાજેતરમાં પાણી-પુરવઠાના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ધંધૂકાના પ્રવાસે આવ્યા હતા. ત્યારે ધારાસભ્ય કાળુભાઇ ડાભીની આગેવાનીમાં મંત્રી સમક્ષ પાણીને લગતા પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી. આ પ્રશ્નો પૈકી કેટલાનું નિવારણ આવ્યું? તે તો તંત્ર જાણે. ત્યારે ધંધૂકા શહેર અને ગ્રામ્ય વિસ્તાર આગામી તા. 25મીથી તા. 28મી સુધી પાણી પુરવઠાથી વંચિત રહેશે. જેના કારણે લોકો ચિંતિત બન્યા છે. ખાસ કરીને લગ્નસરાની સીઝનમાં પાણીની તંગી લોકોની ચિંતા વધારી રહી છે.
ગજબનો સમય સફાઇ માટે લીધો
સમગ્ર રાજ્ય સહિત અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં લગ્નસરાની સિઝનના સમય વખતે જ પાણી પુરવઠા બોર્ડ દ્વારા ધંધૂકા શહેરમાં ટાંકીઓની સફાઇ અને પાણીની લાઈનોના મેઇન્ટેન્સનું કામ કાઢયું છે. ત્યારે લગ્નોની ભરપૂર તારીખો સમયે પાણી પુરવઠો નહીં મળવાના કારણે શહેરીજનો તેમજ ગ્રામ્ય વિસ્તારની પ્રજા મુંઝવણમાં મુકાઈ છે.
પાણી વિતરણમાં તકલીફ મુદ્દે અગાઉ મંત્રીને રજૂઆત કરાઈ હતી
ધંધૂકા પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન ભદુભાઈ અગ્રાવત દ્વારા મંત્રી કુંવરજી બાવળિયા સમક્ષ પાણી પુરવઠાની મોટરો વારંવાર બગડી જતી હોય પાણી વિતરણમાં તકલીફ્નો મુદ્દો ઉઠાવાયો હતો અને બોર્ડ પાસે બીજી મોટરો ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી.