ધંધૂકાના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી ભાવનગર અમદાવાદ ફાસ્ટ ટ્રેનમાં બે વધારે જનરલ કોચ મુકવા માંગ કરી છે. તો તેમને બોટાદ ગાંધીગ્રામ વચ્ચે નવી લોકલ ટ્રેન દોડાવવા માટે પણ માંગ કરી છે
પૂર્વ ધારાસભ્ય દ્વારા જે લેખિત રજૂઆત કરવામાં આવી તેમાં જણાવ્યું કે, ભાવનગર-ગાંધીગ્રામ સુપર ફાસ્ટ ટ્રેન ચલાવવામાં આવે છે. જે સવારે ભાવનગરથી ગાંધીગ્રામ જાય છે અને સાંજે ગાંધીગ્રામથી ભાવનગર જાય છે. સદર ટ્રેનમાં સવારમાં ભાવનગરથી અને બોટાદથી મુસાફરો વધુ આવતા હોઈ જેથી ટ્રેન ફુલ થઇ જાય અને ધંધૂકા-ધોળકાથી બેસતા મુસાફરોને ઉભા રહેવું પડે છે અને તેમ છતાં પણ ઉભા રહેવાની જગ્યા હોતી નથી. જેથી આ ટ્રેનમાં વધારાના બે જનરલ કોચ જોડવામાં આવે તો મુસાફરોને રાહત મળી રહે. તેમજ હવે નવરાત્રી અને દિવાળી જેવો તહેવાર આવી રહ્યા છે ત્યારે બોટાદ-ધંધૂકા-ધોળકાથી વ્યાપારીઓ ખરીદી કરવા તથા આમ લોકો સલામત અને સસ્તી ટ્રેનમાં મુસાફરીનો આગ્રહ રાખતા હોય છે અને મુસાફ્રોનો મોટો ધસારો ટ્રેનમાં જોવા મળે છે. જેથી બોટાદથી ધંધૂકા જવા માટે સવારે 8 વાગ્યા પછી એક પણ ટ્રેન નથી. જેથી બોટાદથી સવારે 8થી 8:30 કલાકે ઉપડે અને ગાંધીગ્રામ જાય અને જે ટ્રેન સાંજે 6 વાગ્યે ઉપડે અને બોટાદ જાય એવી લોકોની મૌખિક રજૂઆત અમોને મળેલ હોઈ જે ટ્રેન લોકોની માંગણીને ધ્યાને લઇ ચાલુ કરવા વિનંતી છે. લોક માંગણીને ધ્યાને લઇ ફાસ્ટ ટ્રેનમાં બે જનરલ કોચ વધારવામાં આવે તથા નવી લોકલ ટ્રેન શરૂ કરવામાં આવે તેવી માંગ પંથકમાં ઉઠવા પામી છે.