ભાવનગર બોટાદ રેલવે લાઈન સંપૂર્ણ રીતે બ્રોડગેજમાં ફેરવી દેવાઈ છે. ત્યારે બોટાદથી ગ્રાંધીગ્રામ વચ્ચેની રેલવે લાઇન આગામી વર્ષ 2025 સુધીમાં સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિક કરી દેવાના લક્ષ્યાંક સાથે રેલવે તંત્ર કામગીરી કરી રહયુ છે.
હવે 105 કિલોમીટરના અંતરની લાઇનમાં માત્ર વીજળીકરણની કામગીરી બાકી છે. જે આગામી ત્રણ ચાર માસમાં પૂર્ણ કરી દેવામાં આવશે. આમ ભાવનગરથી અમદાવાદ શહેરના ગાંધીગ્રામ રેલવે સ્ટેશન વચ્ચે ઇલેક્ટ્રિક લાઇન થતા આ ટ્રેક પર વંદે ભારત ટ્રેન શરૂ થાય તેવો આશાવાદ ભાવનગર, બોટાદ તેમજ અમદાવાદ જિલ્લા ગ્રામ્યના લોકો રાખી રહ્યા છે.
ભાવનગર ગાંધીગ્રામ રૂટને બ્રોડગેજમાં ફેરવ્યા બાદ બોટાદથી ગાંધીગ્રામ વચ્ચે લાઇન પર વીજ પોલ અને ઇલેક્ટ્રિક લાઇન માટેની કામગીરી ઘણા વર્ષોથી શરૂ હતી. જો કે પાછલા વર્ષમાં ઝડપી કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેના કારણે બોટાદથી ગાંધીગ્રામ વચ્ચેની 105 કિલોમીટરની લાઈનનું વીજળીકરણ બાકી છે. ત્યારે વધુમાં મળતી માહિતી મુજબ બોટાદ ગાંધીગ્રામ રેલવે રૂટને સંપૂર્ણ ઇલેક્ટ્રિક કરવા માટે આગામી તા. 31મી માર્ચ, 2025 સુધીનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આગામી માર્ચ 2025 પછી ભાવનગરથી ગાંધીગ્રામ સુધીની ઇલેક્ટ્રિક ટ્રેન ચાલુ કરવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ઇલેક્ટ્રિક ટ્રેક થયા બાદ આ ટ્રેક પર વંદે ભારત ટ્રેન પણ ઝડપથી દોડશે. તેવો આશાવાદ લોકો રાખી રહ્યા છે. રેલવે વિભાગને ભાવનગર અમદાવાદ રૂટ પર વાયા બોટાદ, ધંધૂકા, ધોળકા, સરખેજ માઇલેજની દ્રષ્ટિએ પણ ટૂંકો છે અને ઝડપી પહોંચી શકાતું હોઈ આ રૂટ મુસાફરો અને રેલવેની માલ વહન કરતી માલગાડીઓ માટે સાનુકૂળ છે. ત્યારે ઇલેક્ટ્રિક રૂટ થતા સૌને સુગમતા રહેશે અને નવી ફસ્ટ ટ્રેન સાથે બોટાદ ગાંધીગ્રામ વચ્ચેની ફસ્ટ મેમુ ટ્રેન પણ મળે તો અભ્યાસ તેમજ નોકરી ધંધાર્થે રોજબરોજ નિયમિત રીતે અપડાઉન કરનારા મુસાફરો માટે ખૂબ રાહતરૂપ બની રહેશે.
ભાવનગર વાયા ધંધૂકા ગ્રાંધીગ્રામનું અંતર 247 કિમીનું હોઈ મુસાફરોના સમયની બચત
ભાવનગર વાયા ધંધૂકા ગાંધીગ્રામનું અંતર 247 કિમીનું છે. જેથી રેલવેને ઈંધણ અને મુસાફરોને સમયની બચત થાય છે. જ્યારે ભાવનગર વાયા સુરેન્દ્રનગરથી અમદાવાદ પહોંચવા માટે ટ્રેન રૂટ લાંબો હોવાથી રેલવેને ઈંધણ વધારે વપરાય તથા સમય પણ વધારે જાય અને મુસાફરોને પણ સમય વધારે લેવો પડે ભાવનગરથી વાયા સુરેન્દ્રનગર રૂટ પર 300 કિમી થાય છે. જ્યારે વાયા ધંધૂકા વાળા રૂટ પર 247 કિલોમીટરનું અંતર થાય છે માટે ભાવનગર વાયા ધંધૂકા ગાંધીગ્રામ રૂટ રેલવે અને મુસાફરો માટે સમય અને ઈંધણની દ્રષ્ટિએ વધારે કિફયતી રહે છે. અને ધંધૂકા વાળો રૂટ સંપૂર્ણ ઇલેક્ટ્રિક થતા હવે ઝડપી ટ્રેનો મળશે જેના કારણે મુસાફરો ઓછા સમયમાં પોતાના સ્થાને પહોંચી શકશે.
Source link