અમદાવાદ જિલ્લાના ધંધૂકા તેમજ ધોળકા ખાતે ગુરુવારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યારચાર મામલે સંતો તેમજ જાગૃત નાગરિકોની ઉપસ્થિતિમાં મૌન રેલી યોજીને સ્થાનિક મામલતદાર કચેરીએ આવેદનપત્ર સુપરત કરીને પગલાં લેવાની માગણી કરાઈ હતી.
ધંધૂકા ખાતે વિધાનસભા વિસ્તારના નાગરિકો દ્વારા સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચીને આવેદનપત્ર સુપરત કરાયું હતું. જ્યારે ધોળકા શહેરમાં પણ હિન્દુ એકતા સમિતિ દ્વારા મૌન રેલી યોજાઈ હતી. મૌન રેલીમાં મોટીસંખ્યામાં હિન્દુ ભાઈઓ હાથમાં બેનર લઈને જોડાયા હતા. આ રેલી ખોડિયાર ચોકથી નીકળી મેનાબેન ટાવર ચાર રસ્તા, કેનાલ ઓફ્સિ, બેગા ટેકરી થઈને ધોળકા તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી. જ્યાં પ્રાંત અધિકારીની કચેરીમાં આગેવાનોએ આવેદનપત્ર સુપરત કરી બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતાં અત્યાચારને બંધ કરાવવા, પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા, હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા સહિતની માગણી કરાઈ હતી. શહેરમાં મૌન રેલી દરમિયાન ધોળકા ટાઉન પોલીસે જરૂરી બંદોબસ્ત ગોઠવ્યો હતો.