ધંધૂકાના ઊંચડી ગામે શનિવારે મોડી રાત પછી ગામના ભરચક રહેણાંક વિસ્તારમાં વીજ પોલ પર લાગેલા ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે અચાનક આગ ભભૂકી હતી. જે કલાકો સુધી ચાલુ રહી હતી. વીજ કંપનીને જાણ કરવા છતાં કોઈ કર્મચારી ન આવતા અંતે ગ્રામજનોએ કલાકો સુધી મહેનત કરીને મહામુસીબતે આગ પર કાબુ મેળવ્યો હતો.
આગની ઘટનાના કલાકો પછી પણ વીજ કંપની દ્વારા નવું ટ્રાન્સફોર્મરની કોઈ વ્યવસ્થા ન કરાતા ગ્રામજનો વીજ પાવર વગર પરેશાન થયા હતા. ધંધૂકાના ઊંચડી ગામે મોડી રાત્રે અચાનક ગામના એક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ભભૂકી હતી. પ્રચંડ કડાકા ભડાકા સાથે આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું. આગ બાબતે વીજકંપનીને ગ્રામજનોએ જાણ કરી હતી. પરંતુ વીજ કંપની દ્વારા કોઈ દરકાર સુધ્ધા લેવામાં આવી ન હતી. અંતે ગ્રામજનોએ જ સ્વંય કલાકોની મહેનતથી અતિ જોખમ લઈ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગ્યાના કલાકો વીતિ જવા છતાં રવિવારે બપોર સુધી વીજ કંપની દ્વારા નવા ટ્રાન્સફોર્મરની કોઈ જ વ્યવસ્થા નહીં કરાતા ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને વીજ કંપનીની આ બેજવાબદાર નીતિરીતિથી વીજ કંપની સામે રોષ વ્યકત કરી રહ્યા છે.