ધંધૂકા એપીએમસી ખાતે આગામી બે ત્રણ દિવસમાં સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી માટેનું કેન્દ્ર શરૂ થશે. પાછલા ઘણા દિવસોથી ખેડૂતોને તેમના કપાસના પોષણક્ષમ ભાવો માટે માંગ કરી રહ્યા હતા.
ત્યારે એપીએમસીના પૂર્વ ચેરમેન સહદેવસિંહ ગોહિલ દ્વારા બે દિવસ પહેલાં મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ પત્ર લખી આ વિસ્તારના ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવે સરકાર દ્વારા સીસીઆઈ કેન્દ્ર ચાલુ કરી કપાસની ખરીદી શરૂ કરવા અપીલ કરાઈ હતી. ધંધૂકા એપીએમસી ખાતે 41 દિવસમાં 1.40 લાખ મણ કપાસની આવક થઈ છે. ત્યારે આગામી બે ત્રણ દિવસમાં સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવનાર છે.
ધંધૂકા એપીએમસી ખાતે પાછલા 41 દિવસમાં ખુલ્લા બજારમાં કપાસના ભાવોની ચડ ઉતર વચ્ચે 1.40 લાખ મણ કપાસની આવક નોંધાઇ છે. ત્યારે ખેડૂતોને કુદરતી માર પડયો અને પાછેતરા વરસાદથી કપાસમાં મોટું નુકસાન ગયું હતું જે ફલ આવવો જોઈએ તેના કરતાં ઓછો આવતા કપાસની આવક ચાલુ વર્ષે ઘણી ઓછી છે.
ત્યારે ખેડૂતોને નુકસાન ન જાય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે કપાસની ખરીદી માટેનું સીસીઆઈનું કેન્દ્ર શરૂ થનાર છે. ધંધૂકા વિસ્તારમાં કપાસની મોટે પાયે ખેતી કરવામાં આવે છે અને સારા વાતાવરણમાં ધંધૂકા વિસ્તારમાં 50 હજાર ગાંસડીઓ તૈયાર થાય છે. પરંતુ ચાલુ વર્ષે કપાસની આવક અતિ અલ્પ હોવાથી ખેડૂતને માર પડયો છે.
એપીએમસી વાઇસ ચેરમેન શું કહે છે
ધંધૂકા એપીએમસીના વાઇસ ચેરમેન પૃથ્વીરાજસિંહ ચુડાસમાએ કપાસની આવક બાબતે જણાવ્યું કે સારા વર્ષમાં આ વિસ્તારમાંથી 50 હજાર કપાસની ગાંસડીઓ તૈયાર થાય છે. જ્યારે ચાલુ વર્ષે છેલ્લા વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડયું અને કપાસનું ઉત્પાદન ઘટયું છે. એપીએમસી ખાતે 41 દિવસમાં માત્ર 1.40 લાખ મણ કપાસ આવ્યો છે. ત્યારે સીસીઆઈનું કેન્દ્ર ખુલતાં ખેડૂતોને ટેકો મળી રહેશે.
સીસીઆઈ અધિકારીએ શું કહ્યું?
ધંધુકા ખાતે આગામીબે ત્રણ દિવસમાં નિયમાનુસાર સીસીઆઈનું કેન્દ્ર શરૂ કરવામાં આવશે. એપીએમસી દ્વારા નિર્ધારિત કરેલ ખેડૂતોનો કપાસ નિયમ મુજબ ટેકાના 1,494 રૂપિયે ખરીદવામાં આવશે
APMCના પૂર્વ ચેરમેન શું કહે છે
સમગ્ર મામલે પૂર્વ ચેરમેન સહદેવસિંહ ગોહિલે જણાવ્યું કે છેલ્લા વરસાદથી ભાલ પંથકના ખેડૂતોની કપાસની ખેતીને મોટું નુકસાન થયું હતું. ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું છે. ત્યારે સરકારમાં તેમણે લેખિતમાં રજૂઆત કરી સીસીઆઈનું ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર ધંધૂકા ખાતે શરૂ કરવામાં આવે તેવી અપીલ કરી હતી. જે માંગ સરકારે પૂર્ણ કરતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.