ધંધૂકા રેલવે ઓવરબ્રિજ તેની ગોકળ ગતિની કામગીરીને કારણે વિવાદનું કેન્દ્ર બન્યો છે. વળી ગત તા. 17મીએ મુખ્યમંત્રીએ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવાની જાહેરાત કરી હતી. તેના 11 દિવસ પછી પણ પુલનો બીજી તરફ્નો માર્ગ હજી ચાલુ થયો નથી. ત્યારે ગત રાત્રિએ લીમડી ત્રણ રસ્તા તરફ્થી આવી રહેલ બાઇક અને ધંધૂકા તરફ્થી આવી રહેલ અજાણી કારે બાઇકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણ પૈકી એક યુવક પુલ પરથી 35 ફૂટ નીચે પટકાયો હતો. ધંધૂકા 108 દ્વારા દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત ત્રણ યુવાનોને ધંધૂકાની આરએમએસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. ધંધૂકા પોલીસે અજાણ્યા કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
ધંધુકા રેલવે ઓવરબ્રિજ પર લીમડી ત્રણ રસ્તા તરફ્ થી આવી રહેલા મહેમુદ ઈબ્રાહિમભાઈ ચોપડા, જાબિર મહેમુદભાઈ ચોપડા અને મહંમદ દિલસાન બાઇક પર ધંધૂકા તરફ્ આવી રહ્યા હતા. ત્યારે પુલ પર ધંધૂકા તરફ્થી પુરઝડપે આવી રહેલી કારે બાઇકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં ધંધૂકા 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્રણ ઇજાગ્રસ્તોને આરએમએસ હોસ્પિટલ ખાતે લાવી હતી.
હિટ એન્ડ રનની ઘટનામાં ચાલક ટક્કર મારી કાર સાથે નાસી છૂટયો હતો. અકસ્માત થતા જ બાઇક પર સવાર ત્રણ પૈકી એક મોહંમદ દિલસાન પુલ પરથી ઉલળીને 35 ફૂટ નીચે પટકાતા ગંભીર ઇજાઓ થઈ હતી. ત્રણેય યુવાનોની હાલત ગંભીર જણાતા પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. ધંધૂકા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ છે. અકસ્માત કરી નાસી છુટેલ કારની ભાળ મેળવવા માર્ગ પરના સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે.
શહેરીજનોનો સવાલ : પુલનું કામ ક્યારે પૂર્ણ થશે ?
સીએમ આવ્યા ઉઘ્દાટન કર્યું પણ ઓવરબ્રિજની બીજી સાઈડ સીએમ ના ઉદ્દઘાટન બાદ 11 દિવસ છતાં શરૂ થઈ નથી. ત્યારે રોડ કોન્ટ્રાકટરની કામ ની ગોકળગાય ની ગતિ હજુ કોઈ મોટા અકસ્માત ની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે. આનનફાનનમાં મુખ્યમંત્રી આવ્યા ત્યારે રાત દિવસ કામ કરી પુલનો બીજો માર્ગ પર શરૂ થઈ જવાની આશા હતી. પરંતુ કોન્ટ્રાકટર ની કામ ની ધીમી ગતિ સીએમ ગયા બાદ ફરી યથાવત રહેવા પામી છે. ત્યારે પ્રજા પૂછી રહી છે કે આઠ વર્ષથી જે પુલનું કામ ચાલી રહ્યું છે તે હવે ક્યારે પૂરું થશે?
ઈજાગ્રસ્ત ત્રણ યુવાનો હાલ અમદાવાદમાં સારવાર હેઠળ
ગંભીર રીતે ઘાયલ મોહંમદ દિલસાનની હાલત અતિ ગંભીર હાલતમાં અમદાવાદની હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તો પણ અમદાવાદ ખાતે સારવાર હેઠળ છે